September 8, 2024

આણંદમાં 8 મહિના પહેલાં કરોડોના ખર્ચે બનાવેલો રસ્તો ખોદી નાંખ્યો! સ્થાનિકોમાં રોષ

યોગીન દરજી, આણંદઃ શહેર નગરપાલિકા દ્વારા 8 મહિના અગાઉ 2 કરોડના ખર્ચે બનાવેલા આરસીસી રોડ પર GUDC દ્વારા ખોદકામ કરી નાખ્યું છે. નળ સે જળ યોજનાની પાઇપલાઇન નાંખવા માટે GUDC દ્વારા આ ખોદકામ કરી દેવાયું છે. પાલિકા દ્વારા પ્રજાના ટેક્સના રૂપિયે વિકાસનું કામ કર્યા બાદ GUDC દ્વારા તેનો ખુરદો બોલાવતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.

મુખ્ય માર્ગ પર ખાડા કરી દેવામાં આવ્યા છે અને તેની બાજુમાં પણ ખાડા ખોદવાાં આવ્યા છે. ત્યાં કોઈપણ પ્રકારનું સૂચના દર્શન બોર્ડ પણ મૂકવામાં આવ્યું નથી. આ રોડ પર હજુ સુધી સ્ટ્રીટ લાઇટ કનેક્શન પણ નાંખવામાં આવ્યા નથી. તેને કારણે રાતના સમયે વાહનચાલકોને ખાડામાં ખાબકવાની આશંકા છે.

આ સમગ્ર મામલે સ્થાનિકોની ફરિયાદ છે કે, રોડની વચ્ચે પાઇપલાઇન નાંખ્યા બાદ યોગ્ય માટીપુરાણ કર્યું નથી. તેના કારણે વરસાદી પાણી ભરાતા જોખમી ખાડા પડશે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે, જો પ્રજાને કોઈ લાભ થાય તેમ જ નથી, તો રૂપિયા બે કરોડ જેવી માતબર રકમ શું લોકોના જીવ જોખમમાં મૂકવા માટે ખર્ચ કરવામાં આવી છે? GUDC દ્વારા સત્વરે આ કામગીરી પૂર્ણ કરી રોડને યથાસ્થિતિમાં કરવો જરૂરી છે.