July 7, 2024

સુરતમાં રોગચાળો ફાટી નીકળ્યો, માર્ચમાં 74,000થી વધુ ઓપીડી કેસ નોંધાયા

અમિત રૂપાપરા, સુરત: સુરત સહિત રાજ્યમાં તાપમાનમાં વધારો થતા રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી આકરી ગરમીના કારણે સુરત સિવિલ હોસ્પિટલની ઓપીડી કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ગેસ્ટ્રોટાઈટીસ અને વાયરલ ફીવર સહિતના કેસો વધુ આવી રહ્યા છે.

સુરત સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. ગરમીના કારણે વાયરલ સહિતના કેસોમાં વધારો નોંધાયો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં આજે એક સાથે ઓપીડી કેસની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ઓપીડી કેસને પહોંચી વળવા વ્યવસ્થા ઉભી કરાશે. બીજી બાજુ સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા લોકોને તડકામાં ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે.

સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે માર્ચ મહિનામાં 74,000થી વધુ ઓપેડીના કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ મેડિસિન વિભાગના 15 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં વધારો થવાના કારણે રોગચાળામાં વધારો નોંધાયો છે. જેમાં સૌથી વધુ લોકોને વાયરલ ફેવરની સાથે ગેસ્ટ્રોટાઈટીસ (પેટમાં દુખાવો, નાક ગળામાં દુખાવો અને ઉલટી થવી)ના કેસમાં વધારો થયો છે.

આ પણ વાંચો: ડ્ર્ગ્સની બાતમી આપવાના નામે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે તાપમાનમાં વધારો થઈ શકે છે. બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું જોઈએ, વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ, ખુલ્લા પગે ન ચાલવું જોઈએ જેવા રાખવાથી ગરમીની અસર ઓછી થાય છે.