ચીન-નેપાળમાં ભૂકંપ, 7.1ની તીવ્રતાનો આંચકો; દિલ્હી-બિહારના અનેક વિસ્તારની ધરા ધ્રુજી

Earthquake: વહેલી સવારે ચીન અને નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સિન્હુઆ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચીનના ઝિચાંગ સ્વાયત્ત ક્ષેત્રના શિગાત્સે શહેરની ડિંગરી કાઉન્ટીની નજીક મંગળવારે સવારે 9:05 વાગ્યે (ચીની સમય મુજબ) 7.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેપાળના સમય અનુસાર મંગળવારે સવારે 6.52 કલાકે રાજધાની કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા કાઠમંડુ તેમજ ધાડિંગ, સિંધુપાલચોક, કાવરે, મકવાનપુર અને આસપાસના કેટલાક જિલ્લાઓમાં અનુભવાયા હતા.

નેપાળમાં પણ રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.0 હતી. નેપાળ બોર્ડર પાસે તિબેટમાં પણ ભૂકંપ આવ્યો હતો. ભારતના ઘણા ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. યુએસ જીઓલોજિકલ સર્વેએ અહેવાલ આપ્યો છે કે નેપાળના લોબુચેથી 90 કિલોમીટર ઉત્તરપૂર્વમાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 10.0 કિલોમીટરની ઊંડાઈએ હતું.

આ પણ વાંચો: HMPV Advisory: ભારતમાં 3 કેસ, સ્વાસ્થ્ય મંત્રાલય સતર્ક; સંક્રમણથી બચવા રાજ્યોમાં એડવાઇઝરી જાહેર

ભૂકંપની તીવ્રતા વધુ હોવાને કારણે અનેક વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. સવારે ભૂકંપ આવ્યો હોવાથી લોકો ઘરમાં જ હતા. જોરદાર આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનની માહિતી હજુ સુધી સામે આવી નથી. ભૂકંપની તીવ્રતાને ધ્યાનમાં લેતા કેટલાક વિસ્તારોમાં નુકસાન થવાની સંભાવના છે.