February 23, 2025

અમરેલીમાં શિક્ષણજગતને શર્મશાર કરતી ઘટના, વંડામાં શિક્ષકે વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

અમરેલીઃ જિલ્લામાંથી શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. વંડા પોલીસ સ્ટેશનમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, અમરેલી-સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનમાં સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ નોંધાઈ છે. વંડા વિસ્તારની ખાનગી શાળામાં શિક્ષકે વિદ્યાર્થી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે એટ્રોસિટી એક્ટ સહિત દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની કલમ સાથે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઘટનાની ગંભીરતા દાખવી ASP સહિત પોલીસ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ મામલે આરોપી શિક્ષક વિશાલ સાવલીયાને પોલીસે રાઉન્ડપ કર્યો છે અને તેની પૂછપરછ ચાલુ કરવામાં આવી છે.