November 24, 2024

અમરેલીમાં વરસાદને કારણે ખેડૂતોના પાક પલળ્યાં, મોટા પ્રમાણમાં નુકસાન

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ હવામાન વિભાગની આગાહી અનુસાર, અમરેલી જિલ્લામાં ઉનાળાના ધોમધખતા તાપમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા લાઠી, બાબરા, લીલીયા, સાવરકુંડલા અને ખાંભા ગીર પંથકના ગામડાઓમાં ગાજવીજ અને પવનના સૂસવાટા સાથે ગત રાત્રીના ધોધમાર વરસાદથી ઉનાળુ મગ, બાજરી, તલ, ડુંગળી સહિત કેરીના પાકને વ્યાપકપણે નુકસાન થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.

અમરેલી જિલ્લામાં સોમવારે બપોર બાદ સૂર્ય નારાયણ આકરો તાપ વરસાવી રહ્યા હતા. ત્યારે અચાનક જ અમરેલી જિલ્લામાં વાતાવરણ બદલી ગયું હતું અને બપોર બાદ લાઠી, લીલીયા, બાબરામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. અમુક ગામડાઓમાં નદીઓમાં ભર ઉનાળે પૂર આવ્યું હતું અને વૃક્ષો ધરાશાયી થયા હતા. ત્યારબાદ મોડી રાતે સાવરકુંડલા અને ખાંભા ગીર સહિત ગામડાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોનો તૈયાર થયેલો પાક પલળી જતા ભારે નુકસાન થયું હતું.

આ પણ વાંચોઃ નર્મદાના ખેડૂતો માટે આફત, કેરી-પપૈયા સહિત કેળાનો પાક નષ્ટ થયો

અમરેલી જિલ્લામાં ભરઉનાળે એકાએક પવન સાથે ધોધમાર વરસાદ વરસવાથી ખેડૂતોને ઉનાળુ પાકમાં વ્યાપક નુકશાન થયું હતું. ત્યારે ખાંભાના ભાડ ગામે ખેડૂત ગોવિંદભાઈ અકબરીને વાડીમાં તલનો તૈયાર પાક પડ્યો હતો અને અચાનક જ રાત્રે પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડતાં તલનો તૈયાર પાક આડો પડી ગયો હતો. તેટલું જ નહીં, વરસાદમાં પલળી જતા ખેડૂતો પાયમાલ થયા હતા અને સરકાર દ્વારા યોગ્ય સહાય આપે તેવી માગ કરી હતી.

આ પણ વાંચોઃ ગીર-ગઢડામાં આવેલા ગુરુકુળના સ્વામી પર વિદ્યાર્થીને બ્રેઇન વોશ કરવાનો આક્ષેપ

ખાંભા અને સાવરકુંડલાના ગામડાઓમાં તો જાણે સોમવારે રાત્રે જાણે મીની વાવાઝોડું આવ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. ભારે પવનના સુસવાટા શરૂ થયા હતા અને ગાજવીજ સાથે ભર ચોમાસુ જામ્યું હોય તેવો માહોલ થયો હતો. એકંદરે વરસાદથી ગરમીમાં રાહતનો અહેસાસ લોકોએ કર્યો હતો. પરંતુ કેરીના પાક સાથે ઉનાળુ પાકને વ્યાપકપણે નુકસાન જવાની ભીતિથી ખેડૂતોના જીવ ઉંચા થઈ ગયા હતા. ભાડ ગામના સરપંચ રસિકભાઈ ભંડેરીએ સરકાર દ્વારા ઉનાળુ પાકમાં નુકસાનીનું સર્વે કરીને યોગ્ય સહાય આપવાની આશા વ્યક્ત કરી હતી.