અમરેલીમાં વાવાઝોડા-કમોસમી વરસાદને કારણે તારાજી, પાકને મોટાપાયે નુકસાન

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લામાં મીની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ સાથે કહેરથી ભારે નુકસાની થઈ છે. ગુરુવારે ખાંભા ગીર પંથકમાં ભયંકર તારાજી સર્જી હતી અને 10થી વધારે વીજપોલ, વૃક્ષો ધરાશાહી થયા હતા અને લોકોનાં રહેણાક મકાન અને ફરજાના નળિયા અને પતરા પણ ઉડી ગયા હતા. આ સાથે ઉનાળુ ખેતીપાક નષ્ટ થવા પામ્યો હતો. ઉનાળો બાજરી, તલ, મગ સહિત કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું અને કેરીનો પાક ખરી ગયો હતો. તેમજ કેરીના વૃક્ષો પણ ધરાશાયી થયા હતા અને ખેડૂતોને હાથમાં આવેલો કોળીયો છીનવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ ખાંભા ગીર-પંથકમાં કમોસમી વરસાદ સાથેના વાવાઝોડાએ તારાજી સર્જી હતી.

અમરેલી જિલ્લામાં ભર ઉનાળે પવન સાથે કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાએ આકાશી આફત સર્જી હતી. બાબરા પંથકમાં મીની વાવાઝોડાથી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ ગુરુવારે સાંજે ખાંભા-ગીર પંથક અને ગ્રામ્ય વિસ્તારમાં અચાનક પવન અને કરા મીની વાવાઝોડ ફૂંકાયું હતું. અનેક વીજ પોલ ધરાશાયી થયા હતા. તેમજ ખાંભાથી ઉના રોડ પર વૃક્ષો ધરાશાયી થવાથી સ્ટેટ હાઇવે પણ બંધ થયો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા વૃક્ષો હટાવ્યા બાદ સ્ટેટ હાઇવે રાબેતા મુજબ ચાલુ થયો હતો. ખાંભામાં રહેણાંક મકાનોના નળિયા અને પતરાં પણ ઉડી જવા પામ્યા હતા. ખાંભામાં ભગવતી પરા રોડ પર આવેલા મરચાના ધંધાર્થીઓના મંડપો અને મરચાના ઢગલા પણ પલળી ગયા હતા. આ સાથે ઉનાળુ ખેતીપાકમાં બાજરો, મગ, કેરી સહિતના પાકો પર આફતરૂપી વાવાઝોડા સાથેના વરસાદે ખેડૂતોને હાથમાં આવેલો કોળીયો છીનવી લીધો છે.

આ પણ વાંચોઃ કમોસમી વરસાદે ખેડૂતોને રોવડાવ્યાં, પપૈયાનો પાક બરબાદ થયો

ગઈકાલે અચાનક ખાબકેલા કમોસમી વાવાઝોડા સાથેના વરસાદથી ખેડૂતોના ખેતીપાક સાવ નષ્ટ થયા હતા. આ સાથે ખેતરમાં બનાવેલા ફરજા અને મકાનોના પતરાંના છાપરાઓ ક્યાં ઉડી હતા. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કાચા મકાનો પણ જમીનદોસ્ત થયા હતા. તેમજ ખેડૂતની વાડીમાં પીજીવીસીએલના ટીસી અને વીજપોલ ધરાશાયી થયા છે. ખાંભાના ખેડૂત વિપુલભાઈ ઝાંઝોતરે 10 વીઘાનો તલનો તૈયાર પાક વાડીમાં હતો અને ગઈકાલે પવન સાથે મીની વાવા જોડાયા તલના પાકને આડો પાડી ઉડાડી દીધો હતો. ખેડૂતને ભારે નુકસાન થયું હતું અને સરકાર દ્વારા નુકસાનીનું સરવે કરી યોગ્ય સહાય આપવા જગતના તાત દ્વારા માગ કરવામાં આવી હતી.

ખાંભા-ગીર પંથકમાં મીની વાવાઝોડાએ બાગાયતી પાકમાં કેરી પકવતા ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે અને પવન સાથે મીની વાવાઝોડાથી આંબાવાડીમાં ખેડૂતોના આંબાના વૃક્ષ જમીન દોસ્ત થઈ ગયા હતા અને કેરીનો સંપૂર્ણ પાક ખરી પડતા ખેડૂતોને વ્યાપક પ્રમાણે નુકસાન થયું છે. ત્યારે ત્રણ વર્ષ પહેલાં તાઉતે વાવાઝોડામાંથી માંડ ખેડૂતો ઊભા થયા હતા. ત્યાં ફરી ગઈકાલે મીની વાવાઝોડાએ અને આકાશી આફતે ખાંભા-ગીર પંથકમાં કેરીના પાકનો સોંથ વાળી દીધો હતો. કેરીના બગીચા રાખનારા ઇજારદારોને લાખો રૂપિયાનું નુકસાન જવા પામ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ખાંભા ગામના સરપંચ બાબાભાઈ ખુમાણે જણાવ્યું હતું. ખાંભામાં લોકોના ઘરના પતરાં અને નળિયા ઉડી ગયા છે. તેમજ ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે અને ખાંભા-ગીર પંથકમાં મીની વાવાઝોડાથી નુકસાન થયેલું છે તેનો સરવે કરી યોગ્ય સહાય આપવા સરકાર પાસે માગ કરી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદના SVPI એરપોર્ટ પર સુવિધામાં વધારો, ઓપરેશન્સ-એરક્રાફ્ટની સંખ્યા વધશે

અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી હવામાન વિભાગની આગાહી અનુસાર, પવન સાથે કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાની આફતથી ખાંભા-ગીર અને બાબરા પંથકમાં નુકસાન બાબતે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા તેમજ અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા, લાઠી બાબરાના ધારાસભ્ય જનક તળાવીયા સહિત નેતાઓ દ્વારા કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખી વિશે નુકસાનીનું વળતર આપવા માગ કરે છે. પરંતુ જોવાનું એ રહ્યું કે, નુકસાનીનું સરવે થશે અને લોકોને સહાય મળશે તેવો પ્રશ્ન લોકોને ખેડૂતોમાં ઉઠવા પામ્યો છે.