સાવરકુંડલા નગરપાલિકાના પરિસરમાં જોગીદાસ ખુમાણની પ્રતિમાનું અનાવરણ
દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ સાવરકુંડલા વિસ્તારનું ગૌરવ અને ખાનદાનીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોગીદાસ ખુમાણની પ્રતિમાનું નગરપાલિકા પરિસરમાં મોરારિબાપુ અને મહાનુભાવોના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું છે.
સાવરકુંડલા નગરપાલિકા પરિસરમાં સાવરકુંડલાનું ગૌરવ એવા બહારવટિયા અને જેની ખાનદાની માટે ઇતિહાસે નોંધ લીધી છે એવા જોગીદાસ ખુમાણની પ્રતિમાનું અનાવરણ સુપ્રસિદ્ધ રામાયણી મોરારિબાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોરારિબાપુએ તેમની ખાનદાની ખુમારી અને જોગીદાસ બાપુમાં જે સમાજને અનુકરણ કરવા જેવા ગુણો હતા. તેનું વર્ણન કરી અને સમગ્ર વિશ્વને એક નવો સંદેશ આપ્યો છે કે જોગીદાસ બાપુમાં પંચતત્વના અદભુત ગુણ હતા. તે સમાજે અપનાવવા જોઈએ આ પ્રસંગે તેમણે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.
જોગીદાસ ખુમાણની પ્રતિમાનું અનાવરણ પ્રસંગે ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા. દિલીપ સંઘાણીએ લુંટારા અને બહારવટિયાનો ભેદ સમજાવી જોગીદાસ બાપુની ખાનદાની વિશે ઉદાહરણો આપ્યા હતા. જોગીદાસ બાપુના સંસ્કારો સમગ્ર વિશ્વને ઉદાહરણ બનાવવા માટે નગરપાલિકા સાવરકુંડલાનો દિલીપભાઈ સંઘાણીએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા. સાવરકુંડલા નગરપાલિકાને જોગીદાસ બાપુનું નામકરણ અને આજે જોગીદાસ બાપુની મૂર્તિ પ્રસ્થાપિત પ્રસંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગોરધનભાઈ ઝડફિયા, દિલીપભાઈ સંઘાણી, સાંસદ ભરતભાઈ સુતરીયા, નાયબ મુખ્ય દંડપ કૌશિકભાઇ વેકરીયા, ધારાસભ્ય જનકભાઈ તલાવિયા, હીરાભાઈ સોલંકી, જેવી કાકડીયા અને વિશિષ્ટ સન્માન જેનું કરવામાં આવ્યું છે તેવા ભીખુદાનભાઈ ગઢવી હાજર રહ્યા હતા. તેમજ સાધુ-સંતોમાં સતાધારથી વિજય બાપુ, સાવરકુંડલાના બે મહાન વિભૂતિ દેવી સ્વરૂપ ઉષામૈયા અને જ્યોતિર મૈયા, તેમજ માનવ મંદિરના ભક્તિ બાપુ સહિતના અગ્રણી નેતાઓ અને વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.
જોગીદાસ ખુમાણની મૂર્તિ અનાવરણ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાસ ઉપસ્થિત રહી માર્મિક ટકોર કરી હતી કે, પહેલાના સમયમાં જોગીદાસ બાપુનું નામ લેતા તેમની ખાનદાની ખુમારી અને બહેન દીકરી પ્રત્યેની આદર આવકાર અને સુરક્ષા જેવા સદગુણો સાંભળીને માથું ઊંચું થઈ જાય છે. ત્યારે નગરપાલિકાને સૂચન કર્યું હતું કે, આ મૂર્તિ પાસે જોગીદાસ બાપુની ખુમારી અને તેમનો ઇતિહાસ ખાસ કંડારવો જેથી હાલના શિક્ષકોને વિદ્યાર્થીઓ આ ઇતિહાસને વાંચે અને આજે આચાર્યની વાતોની કેટલીક ઘટનાઓ સાંભળીને માથું નીચું થઈ જાય છે તે કુસંસ્કારોમાં સુધારો આવે અને પરિવર્તન આવે.
સાવરકુંડલા શહેરના નગરપાલિકા પટાંગણમાં જોગીદાસ બાપુની મૂર્તિનું અનાવરણનો પ્રસંગ શહેરીજનોને આસપાસની જનતા માટે એક દર્શનીય સ્થળ બની રહેશે. તેમના સદગુણો વાંચીને સાંભળીને અને દર્શન કરીને ચોક્કસ શિક્ષણ જગત અને આજની પેઢીને કંઈક નવું જાણવા મળશે તે નિર્વિવાદ સત્ય છે.