December 22, 2024

રાજુલામાં કોપર પ્લાન્ટ કંપની ન સ્થાપવા ખેડૂતો-પર્યાવરણપ્રેમીઓ મેદાને, વન્યજીવને નુકસાન થવાનો દાવો

amreli rajula not to set up copper plant company Farmers-environmentalists protest claiming damage to wildlife

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લાના રાજુલા પંથકમાં આવતી કોપર પ્લાન્ટ કંપની સ્થાપવાને લઈને રાજુલા પંથકમાં ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વિરોધ શરૂ થયો છે. ‘ખેડૂત બચાવો કોપર હટાવો’ સમિતિના નેજા નીચે ખેડૂતો, પર્યાવરણ પ્રેમીઓની સભા સાથેની રેલી આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો. જેમાં ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓ પ્લે કાર્ડ સાથે પ્રાંત કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને સૂત્રોચાર સાથે કોપર પ્લાન્ટ કંપની સામે આવેદનપત્ર પાઠવ્યું હતું.

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં કોપર પ્લાન્ટ કંપની સ્થાપવા માટે અગાઉ કરેલી લોકસુનાવણી બેઠકમાં ભારે દેકારો થયો હતો. ત્યારે પોલીસે 11 પર્યાવરણપ્રેમીઓ અને ખેડૂતોને ડિટેઇન કર્યા હતા. ત્યારબાદ રાજુલામાં પર્યાવરણપ્રેમીઓ અને ખેડૂતો દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને મહુવામાં નિરમા કંપની સામે આંદોલન કરનારા ડો. કનુભાઈ કળસરીયા, તખુભાઈ સાંઢસુર, મંગલુભાઈ ખુમાણ, અમદાવાદના પર્યાવરણપ્રેમી મુદીતા વિદ્રોહી સહિતના 200 ઉપરાંતના પર્યાવરણપ્રેમીઓ અને ખેડૂતો દ્વારા કોઇપણ સંજોગોમાં કોપર પ્લાન્ટ કંપની રાજુલા પંથકમાં સ્થપાઈ તો ખેતી અને પર્યાવરણ સાથે વન્યપ્રાણી સિંહનો મોટો વિસ્તાર નષ્ટ થવાની ગંભીર શક્યતાઓ સેવાઈ રહી છે.

ત્યારે કોપર પ્લાન્ટ હટાવો સમિતિ રાજુલા જાફરાબાદ દ્વારા વિરોધ પ્રદર્શન સભા યોજીને બાદ રેલી સ્વરૂપે રાજુલા પ્રાંત કલેકટરને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં ખેડૂતો અને પર્યાવરણપ્રેમીઓ પ્લે કાર્ડ સાથે પ્રાંત કલેકટર કચેરીએ સૂત્રોચાર કર્યા હતા. અગાઉની લોક સુનાવણી રદ કરવાની માંગણી પણ કોપર પ્લાન્ટ હટાવો સમિતિ દ્વારા કરવામાં આવી હતી.

અગાઉ કોપર પ્લાન્ટ કંપની દ્વારા લોકસુનવણી દરમ્યાન પોલીસના જોરે કરેલો કામગીરી સામે પર્યાવરણ પ્રેમીઓ અને ખેડૂત રક્ષક સમિતિએ રોષ વ્યક્ત કર્યો હતો. એક તરફ વિકાસની દોટ જોવા મળી રહી છે પણ પર્યાવરણ અને વન્યજીવોને નુકશાની જવાની ગંભીર દહેશત વચ્ચે કોપર પ્લાન્ટ કંપની રાજુલા પંથકમાં ન સ્થપાઈ તે માટે પર્યાવરણપ્રેમીઓ, ખેડૂતો અને વન્યજીવોની જીવ સૃષ્ટિ નષ્ટ ન થાય તે માટે આંદોલન રાજુલામાં શરૂ થયું છે.