રાજુલાના ખેડૂતો-તંત્ર પાણી માટે સામસામે, છેલ્લા પરિણામ સુધી લડી લેવાનો મિજાજ

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલા ધાતરવડી – 1 ડેમના પાણી મુદ્દે તંત્ર અને ખેડૂતો સામસામે આવી ગયા છે. શુક્રવારે આ લડતના મંડાણ થયા હતા અને પરિણામ સુધી લડી લેવાનો મિજાજ દર્શાવ્યો હતો.
રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલ ધાતરવડી – 1 ડેમના પાણી મુદ્દે આગામી દિવસોમાં પાણીપત સર્જાય તો નવાઈ નહીં. આ મુદ્દે શુક્રવારે જ ખેડૂતો અને તંત્ર સામસામે આવી ગયા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ ડેમ 1972ની સાલમાં બનાવવામાં આવ્યો હતો. ત્યારે માત્ર ખેતી સિંચાઈના ઉદ્દેશ્ય સાથે બનાવામાં આવ્યો હતો. ત્યારબાદ 1987માં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે રાજુલા શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માટે ધાતરવડી – 1 ડેમમાંથી પાઈપલાઈન દ્વારા પાણી રાજુલાને પાણી આપવામાં આવતું હતું. તે આજદિન સુધી યથાવત છે. હવે તંત્ર દ્વારા આ પાઈપલાઈનને મોટી કરવાની કવાયત હાથ ધરવાની હિલચાલ શરૂ થતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેતી સિંચાઈના હકનું પાણી કોઈપણ સંજોગોમાં આપવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારી છે. કેટલાક ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આ ડેમનું પાણી ખાનગી કંપનીઓને આપવા માટે તંત્ર દ્વારા ખેડૂતોના હક્કના પાણી પર તરાપ મારવામાં આવી રહી છે.
ધાતરવડી – 1 ડેમના પાણી મુદ્દે ખેડૂતો દ્વારા ધારેશ્વર ગામ નજીક આવેલા ધારનાથ મહાદેવ મંદિરે સભા યોજવામાં આવી હતી. આ સભામાં આપ નેતા રાજુ કરપડા તેમજ સ્થાનિક આગેવાનો, ખેડૂતો અને ખેતમજૂરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભામાં ખેડૂત આગેવાનોએ તંત્રને આડેહાથ લીધું હતું. આ સભા બાદ તમામ લોકો રાજુલા પ્રાંત કચેરીએ પહોંચી આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.
ધાતરવડી – 1 ડેમમાંથી રાજુલા આવતી પાઈપલાઈનને મોટી કરવાની હિલચાલ શરૂ થતાં જ ખેડૂતો પણ એલર્ટ થઈ ગયા હતા. બે દિવસ અગાઉથી જ આ સભાનું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું હતું. હાલ રમઝાન માસ દરમિયાન જાહેર સભા સરઘસ પર પ્રતિબંધ હોવા છતાં પણ ખેડૂતો દ્વારા સભા યોજી હતી. સભાસ્થળે તેમજ પ્રાંત કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હવે જોવાનું એ રહે છે કે, ખેડૂતો અને તંત્ર વચ્ચે શરૂ થયેલી આ લડાઈ ક્યાં સુધી પહોંચે છે.