December 19, 2024

અમરેલી ઉમેદવારના વિવાદનો અંત, ભરત સુતરિયાને 5 લાખની લીડથી જીતાડવાનો દાવો

amreli lok sabha election candidate controversy end bjp said bharat sutariya will won with 5 lakh votes lead

અમરેલી ભાજપના નેતાઓ એક મંચ પર આવ્યા હતા.

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ લોકસભા બેઠક પર અસંતુષ્ટોની ઉઠેલી આગ બુઝાઈ ગઈ છે. અમરેલી ભાજપના નેતાઓ માની પણ ગયા હતા. ગઈકાલે લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સામે રજૂઆત કરનારા ભાજપના નેતાઓ એક મંચ પર આવી ગયા હતા. જેમાં દિલીપ સંઘાણી, સાંસદ નારણ કાછડીયા, બાવકુ ઉંઘાડ, હિરેન હીરપરા, ડૉ. ભરત કાનાબાર સહિતના નેતાઓ પ્રેસ કોન્ફરન્સમાં અમરેલીના પ્રભારી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજા સાથે આવ્યા હતા.

પ્રભારી હકુભા જાડેજાએ ભાજપમાં ઉઠેલા દાવાનળે પરિવારની વાત પરિવારમાં પૂર્ણ થઈ હોવાનું કહીને ગઈકાલે ભાજપના કાર્યકર્તાઓની થયેલી મારામારી સુધીના મામલાને આંતરિક બાબતો હકુભા જાડેજાએ જણાવી હતી અને વાત પૂર્ણ થઈ ગઈ હોવાના ગીત ગાયા હતા. ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાને 5 લાખની લીડથી જીતાડવાનો હકુભા જાડેજાએ દાવો કર્યો હતો. ગઈકાલે રાત્રે દિલીપ સંઘાણીના નિવાસસ્થાન નજીક જ અસંતુષ્ઠ ભાજપના નેતાઓની ક્લસ્ટર પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક મળી હતી. ત્યારબાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો, પણ ભુપેન્દ્રસિંહે પારિવારિક સંબંધો હોવાને કારણે જમવા આવ્યા હોવાનું નિવેદન આપ્યું હતું. જ્યારે ગઈકાલે થયેલી રજૂઆત બાબતે ટિકિટ માંગનારા દાવેદારો મળવા આવેલા કોઈ અસંતુષ્ઠ ન હતા, તેવું દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજની ચીમકી – રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો 8 સીટ પર પરિણામ ભોગવવા તૈયાર રહે BJP

પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત જિલ્લાના ધારાસભ્યો સાથે ત્રણ ટર્મથી સાંસદ રહેલા નારણ કાછડીયાની ટિકિટ કપાયા થયા બાદ એકપણ ભાજપના ઉમેદવાર સાથે અસંતુષ્ટ ન હોવાનું જણાવ્યું હતું. સાંસદ નારણ કાછડીયાની ટિકિટ કાપવા અંગેના પ્રશ્નમાં લેશમાત્ર દુઃખ નથી તેવું નારણ કાછડીયાએ જણાવ્યું હતું. જ્યારે પાર્ટીએ ત્રણવાર જિલ્લા પંચાયત, 3 વાર સાંસદની ટિકિટ આપી હોવાનું નારણ કાછડીયાએ જણાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ અમરેલી ભાજપમાં ઉકળતો ચરુ, ઉમેદવાર બદલવાની માગ સાથે મારામારી!

અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા જાહેર થયા બાદ બે-ચાર દિવસથી ભાજપના ઉમેદવાર બદલવા મામલે નેતાઓમાં જાગેલો અસંતોષ આજે શમી ગયો હતો. અમરેલી ભાજપ ઉમેદવાર અંગે અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું હોવાનું દૃશ્ય જોવા મળી રહ્યું છે.