January 5, 2025

અમરેલી લેટરકાંડ મામલે રાજકીય-સામાજિક નેતાઓની બેઠક, યુવતીનું નામ આરોપી તરીકે દૂર કરશે

અમરેલીઃ લેટરકાંડ મામલે પાટીદાર યુવતીના રિકન્સ્ટ્રક્શન મુદ્દે રાજનીતિ ગરમાયા બાદ ખોડલધામ ટ્રષ્ટિઓની ધારાસભ્યો સાથે બેઠક યોજી ફરીયાદી પક્ષ સહિત આગેવાનો એકમંચ પર આવી બંધબારણે બેઠકો યોજી યુવતી સામે ફરિયાદમાં આરોપી તરીકે નામ દૂર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામે બનાવટી લેટર બનાવવામાં આવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ભાજપ કાર્યકર મનીષ વઘાસીયા, યુવતી પાયલ ગોટી સહિત 4 આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા અને પાટીદાર સમાજના કેટલાક આગેવાનો દ્વારા યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું હોવાના આક્ષેપ થતા સૌરાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ હતી. આ મામલે અમરેલીમાં ખોડલ ધામના ટ્રસ્ટી દિનેશ બાંભણીયા, મનોજ પનારા, ધારાસભ્ય રમેશ ટીલાળા સહિત અલગ અલગ આગેવાનો, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, ધારાસભ્ય મહેશ કસવાળા, સાંસદ ભરત સુતરીયા ફરીયાદી કિશોર કાનપરીયા સહિતના નેતાઓ વચ્ચે બેઠક યોજી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં પાટીદાર યુવતીની સામે ફરિયાદ પાછી ખેંચવા અને આરોપી તરીકે નામ દૂર કરવા માટે કૌશિક વેકરીયા સહિત નેતાઓ દ્વારા સહમતિ આપીને મામલો શાંત પાડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ખોડલ ધામ સમિતિ દ્વારા પ્રેસ કર્યા બાદ બેઠકમાંથી બહાર આવી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ પ્રેસ કરતા કહ્યું કે, અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને બદનામ કરવાના લેટરમાં જે સ્થિતિ ઉભી થઈ છે. તેમાં 5 દિવસ પહેલાં કૌશિકભાઈએ પણ યુવતીને ઝડપથી જામીન મળે તે માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ કોઈપણ પ્રકારે ગેરસમજ ઉભી થવાના કારણે થઈ શકયું નહીં. ત્યારે આજે સમાજના વરિષ્ઠ આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં કૌશિકભાઈએ મન મોટું રાખી સહમતિ આપી છે, જેમાં દીકરીને ઝડપથી બહાર લાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ખોડલ ધામ સમિતિના આગેવાનો બેઠક બાદ અમરેલી જિલ્લા પોલીસ વડા કચેરીમાં પહોંચી એસપી સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં સરઘસ કાઢવા મુદ્દે અને યુવતીને ન્યાય મળે તે માટે મનોજ પનારા દિનેશ બાંભણીયા સહિત આગેવાનો દ્વારા રજૂઆતો કરી ફરીયાદીએ એફિડેવિટ કરવા તૈયારી દર્શાવી છે. યુવતી સાથે રહેલા મુખ્ય આરોપી મનીષ વઘાસિયાની ફરિયાદ મામલે સ્પષ્ટતા કરી હતી. અન્ય આરોપી સાથે અમારે કંઈ લેવા દેવા નથી, અંદરો અંદર રાજકીય બાબત છે માત્ર યુવતીને માટે જામીન મળે તે જ પ્રયાસ છે.

અમરેલી યુવતીના વિવાદ મામલે હાલ મામલો શાંત પાડવા પાટીદાર સમાજના આગેવાનો અને ભાજપ નેતાની મધ્યસ્થીથી હાલ બેઠક બાદ યુવતીને બહાર લાવવા પ્રયાસ ચાલી રહ્યા છે. બીજી તરફ અમરેલી લેટરકાંડ મુદ્દે સૌરાષ્ટ્રભરમાં રાજકીય માહોલ ગરમાયો છે. આગામી દિવસોમાં હજુ રાજકીય નવા સંકેત મળે તેવી શક્યતા જોવા મળી રહી છે.