અમરેલી લેટરકાંડઃ વીરજી ઠુમ્મરે કહ્યું – ગૃહમંત્રી અને કૌશિક વેકરિયાનો પણ નાર્કો ટેસ્ટ કરાવો

અમરેલીઃ લેટરકાંડનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. લાઠી-બાબરાના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે આ મામલે પ્રતિક્રિયા આપી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અંગે પ્રતિક્રિયા આપી છે.
વીરજી ઠુમ્મરે કહ્યુ છે કે, ‘અમરેલીના પૂર્વ સાંસદ અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કોઈ હાઈકોર્ટના નિવૃત્ત જજના અધ્યક્ષતામાં તપાસ કરવા અને મારો પણ નાર્કો ટેસ્ટ કરવાની માગણી કરી છે. ત્યારે હું દિલીપભાઈને ખુબ અભિનંદન આપું છું. દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એના માટે આપણે પ્રયાસો કરી રહ્યા છીએ.’
તેઓ વધુમાં કહે છે કે, ‘પાયલ ગોટીની ધરપકડ રાત્રે કરી કોના કહેવાથી કરી અને મેડિકલ તપાસ કરવાની હતી, ત્યારે પણ પોલીસ રાત્રે ગઈ હતી. સીટ ઉપર ભરોસો નથી, પોલીસ ઉપર ભરોસો નથી, પોલીસ કોઈકના પ્યાદા બની ગઈ છે, તેમનો સિવિલ કોડ ભૂલી ગઈ છે. સૌપ્રથમ તો રાજ્યના હોમ મિનિસ્ટરનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ, કૌશિક વેકરીયાનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ.’