અમરેલી લેટરકાંડ મામલે પાયલ ગોટીના વકીલની પોલીસ અધિકારી સામે કાર્યવાહીની માગ
અમરેલીઃ લેટરકાંડ મામલે એડવોકેટ આનંદ યાજ્ઞિકે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા પાયલ ગોટી મુદ્દે પોલીસને જવાબદાર ગણાવ્યા છે. જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા સહિત મુદ્દે આકરા પ્રહારો કર્યા છે.
હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે પોલીસ અધિક્ષક સામે આરોપ મૂક્યો છે. આરોપીઓને માર્યા ત્યારે પોલીસ અધિક્ષક માથે ઉભા હતા. પોલીસ અધિક્ષક સંજય ખરાટ સામે ગંભીર આરોપો મૂક્યા છે. પાયલ ગોટી સહિતના આરોપીઓને ઉભા રાખી મરજી વિરુદ્ધ ફોટા પડાવ્યા છે.
SIT ટીમના અધિકારીઓ જ સંડોવાયેલા છે, SITનો સ્વીકાર કરતા નથી. આજે અમે રજૂઆત કરવા ગયા ત્યારે પણ પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. પાયલ ગોટીના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. અમરેલી પોલીસ હવે પાયલના ઘર બહાર પોલીસ ગોઠવી હવે કેવું પોલીસ રક્ષણ આપવા માંગે છે? અમારે પોલીસ રક્ષણની જરૂર નથી. ગામમાં અને ઘરની બહાર પોલીસ ગોઠવવામાં આવી હોવાથી મુશ્કેલી પડી રહી છે.
સાયબર સેલ, SOG, DCB અને અમરેલી પોલીસના દરેક કર્મીઓ અને અધિકારીઓએ દીકરીને મારી છે અને મારનારા પોલીસ અધિકારીઓને રક્ષણ પૂરું પાડતા હતા. IG કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. DGને આગામી દિવસોમાં અમે રૂબરૂ મળી રજૂઆત કરીશું અને પોલીસ ફરિયાદ કરીશું. આવતા બે દિવસમાં અમે હાઇકોર્ટમાં સબસ્ટેન્સિસ પિટિશન દાખલ કરવા જઈ રહ્યા છીએ. માનહાનિ થઈ હોવાથી તે પણ અરજી કરીશું. પોલીસ અધિક્ષક પોતે જ આમાં શંકામાં છે તો તેના જ SITના DySP કક્ષાના અધિકારીની હાજરીમાં મેડિકલ ચેકઅપ કરવા માગે છે.