December 27, 2024

ખાંભાથી ઉના-દીવ-સોમનાથ જતો સ્ટેટ હાઇવે બિસ્માર, વાહનચાલકોને હાલાકી

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લામાં ચોમાસામાં રોડ-રસ્તાઓ બિસ્માર બન્યા છે. ત્યારે ખાંભાથી ઉના, દીવ, તુલસીશ્યામ અને સોમનાથ જવાનો સ્ટેટ હાઇવે રોડ બિસ્માર બન્યો છે. આ સ્ટેટ હાઇવે રોડ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાંથી પર્યટકો અને ટુરિસ્ટ માટે મહત્વનો માનવામાં આવતો હોય છે. ત્યારે આ સ્ટેટ હાઇવે રોડ છેલ્લા દોઢ બે વર્ષથી બિસ્માર છે અને દરવર્ષે ચોમાસું આવે એટલે મુસીબત ઉભી હોય અને રોડ પર બે-બે ફૂટના ખાડા પડી જાય છે. તેને કારણે વાહનચાલકો અને રાહદારીઓને આ રસ્તા પરથી પસાર થવું એટલે માથાના દુખાવા સમાન બન્યું છે.

ખાંભા-સોમનાથ સ્ટેટ હાઇવે રોડ અતિબિસ્માર બની ગયો છે અને બે-બે ફૂટના ખાડા પડી જવા છતાં રોડ બનાવવામાં આવતો નથી. હાલ શ્રાવણ મહિનો હોવાથી આ રોડ પરથી ઉના, તુલસીશ્યામ, દીવ અને સોમનાથમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને ટૂરિસ્ટો પસાર થતા હોય છે. આ રોડ બિસ્માર હોવાના કારણે ભારે મુસીબતનો સામનો કરવો પડે છે અને ચોમાસામાં રોડ પર પડેલા ખાડામાં વરસાદના પાણી ભરાવવાથી વાહનચાલકોના અવારનવાર અકસ્માતના પણ બનાવો બન્યા કરતા હોય છે. રોડ બિસ્માર અને જર્જરીત થવાના કારણે ટ્રાફિક જામ થતા લોકોને મુસાફરો મુશ્કેલીમાં મુકાય છે અને ત્યારે આ મહત્વનો રોડ અતિબિસ્માર બનતા સ્થાનિકો, રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુસીબતમાં મુકાયા છે.

છેલ્લા બે વર્ષથી ચોમાસું આવે અને ખાંભા-ઉના, દીવ, સોમનાથ સ્ટેટ હાઇવે પર મસમોટાં ખાડાં પડી જાય છે. વાહનચાલકો મુસીબતમાં મૂકાય છે અને વાહનચાલકોને પસાર થવું એટલે તોબા-તોબા બન્યું છે. ત્યારે અમરેલી જિલ્લાના ગ્રામીણ માર્ગો હોય કે પીપાવાવ-અંબાજી હાઈવે, ખાંભાથી રાજુલા જાફરાબાદ તેમજ સાવરકુંડલા જવાના રોડ રસ્તાઓ જર્જરીત અને ખખડધજ બનતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ સરકાર અને જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી.

ખાંભાથી દીવ-સોમનાથ રોડ મહત્વનો માનવામાં આવતો હોય છે અને આ બિસ્માર હાઇવે પરથી ટુરિસ્ટો અને વાહનચાલકો પસાર થઈ કેન્દ્રશાસિત દીવ, સોમનાથ, તુલસીશ્યામ ફરવા જતા હોય છે. ત્યારે આ સ્ટેટ હાઈવે રોડ પર બે-બે ફૂટના ખાડાં ધરાવતા આ રોડ પરથી પસાર થઈને જવું પડે છે. ત્યારે આ રોડ બે વર્ષથી બિસ્માર બન્યો છે અને સ્થાનિક લોકો પણ આ રોડ બિસ્માર બનવાથી મસમોટાં બે-બે ફૂટના ખાડાંના કારણે પરેશાન બન્યા અને અનેકવાર રજૂઆત કરવા છતાં રોડનું કામ કરવામાં આવતું નથી.