November 9, 2024

બે સગાભાઈ વચ્ચે મારામારી, નાના ભાઈએ ઉશ્કેરાઈને મોટાને પતાવી દીધો

શરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લામાં બે સગાભાઈ વચ્ચે મારામારી બાદ હત્યાની ઘટના સામે આવી છે. ખાંભાના નીંગાળા ગામમાં મોટા ભાઈએ નાના ભાઈને કામધંધો ન કરતો હોવાનું કહેતાં જ નાનો ભાઈ ઉશ્કેરાઈ ગયો હતો. જેથી બન્ને ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી. એમાં ઉશ્કેરાયેલા નાના ભાઈએ મોટા ભાઈને છરીનો એક ઘા પડખામાં મારી દેતા મોટાભાઈનું મોત થયું હતું. આ ઘટના બનતાં જ ઘરમાં રાડારાડી થવા લાગતાં હત્યારો ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જો કે, પોલીસે આરોપીને તરત જ દબોચી લીધો હતો અને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

ખાંભા તાલુકાના નિંગાળા ગામમાં મોડી રાતે હત્યાનો બનાવ બન્યો હતો. 25 વર્ષના હર્ષદભાઈ અનુભાઈ બારૈયા નામના યુવકની હત્યા થઈ છે. તેમના સગા નાના ભાઈએ છરી મારી દેતાં ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં રાજુલાની ખાનગી હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યાં હતા. જો કે, હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ મોત થતાં મામલો હત્યામાં પલટાયો હતો. મૃતકને પીએમ માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં સાવરકુંડલા એએસપી વલય વૈધ, ખાંભા રાજુલા પોલીસની ટીમો દોડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આરોપીને ઝડપી પાડ્યા હતા.

આ હત્યાનું કારણ છે કે, આરોપી જયસુખ બારૈયા કોઈ કામધંધા નહોતો કરતો અને આંટાફેરા કરતો હતો. એના કારણે હર્ષદભાઈએ ઠપકો આપતાં આરોપી જયસુખભાઈને સારું નહિ લાગતાં તે ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ બન્ને ભાઈઓ વચ્ચે બેફામ ગાળાગાળી અને ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન જયસુખે મોટા ભાઈના પડખાના ભાગે છરી મારી આંતરડાં બહાર કાઢી લીધાં હતાં, જેથી ગંભીર ઈજા પહોંચતાં તેનું મોત થયું હતું.

આ અંગે અમરેલી એએસપી વલય વૈદ્યએ જણાવ્યું હતું કે, બંને સગાભાઈ છે. નાના ભાઈ કામધંધો ન કરતો હોવાથી અવારનવાર મોટો ભાઈ કામધંધો કરવાનું કહેતો હતો. જેથી તેને લાગી આવતાં મારામારી થઈ હતી. જેમાં મોટા ભાઈને પડખામાં છરી મારતાં ઊંડો ઘા હોવાને કારણે તેનું મોત થયું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારે નાના એવા નિંગાળા ગામમાં ભાઈના હાથે ભાઈની હત્યા થતા ચકચાર મચી જવા પામી હતી.