December 19, 2024

અમરેલીમાં નકલી સાધુ હોવાનું કહીને જટા કાપી, વીડિયો વાયરલ કર્યો

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લામાં આવેલા ખાંભા નજીકના ખોડિયાર આશ્રમમાં એક સૂતેલા સાધુને બીજા અજાણ્યા બે સાધુએ નકલી સાધુ હોવાનું અને વિધર્મી હોવાના આક્ષેપ સાથે મારમારી કરી હતી. તેટલું જ નહીં, હુમલો કરીને જટા કાતરથી કાપી વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. આ ઉપરાંત તેની પાસે રહેલા 21 હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી જિલ્લામાં આવેલા ખાંભા નજીકના ખોડિયાર આશ્રમમાં ભગુડા નજીક આવેલા ભોંયરાધાર આશ્રમના અર્જુનગીરી મહંત આરામ કરતા હતા. ત્યારે હળવદ વિસ્તારના સાધુ અર્જુનગીરી અને અન્ય વ્યક્તિ સાથે મળી આ સાધુને વિધર્મી હોવાનો આક્ષેપ સાથે માર માર્યો હતો. તેમની જટા કાતરથી કાપી નાંખી લાઈવ વીડિયો બનાવી વાયરલ કરતા ઘેરાપ્રત્યાઘાતો પડયા હતા. આ ઘટનામાં આરોપી અર્જુનગીરી સહિત 2 વ્યક્તિ સામે મારા મારી કરીને હુમલો કર્યો હતો. રૂપિયા 21 હજારની લૂંટ કર્યાની ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આ ઘટનાની ગંભીરતા દાખવી પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીને હળવદથી દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.