ખાંભામાં કોઝવે ધોવાતા સ્થાનિકો-ખેડૂતો મુસીબતમાં મૂકાયા, તંત્રના આંખ આડા કાન

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લાના ખાંભા પંથકમાં ચાલુ વર્ષે સારો વરસાદ પડવાથી ધાતારવડી નદી પરનો ખાંભાના જૂના ગામ-ભગવતીપરા વચ્ચેનો કોઝવે ધોવાઈ જતાં 200થી વધારે સ્થાનિક રહીશો અને ખેડૂતોનો એક જ કોઝવે પર રસ્તો હોય તે ધોવાઈ જતા સ્થાનિકો મુસીબતમાં મૂકાયા છે અને 3 કિમી ફરીને જવા મજબૂર બન્યાં છે.
જૂના ગામ વિસ્તારમાં ખાંભા શહેરનું એક જ સ્મશાન આવેલું છે. ત્યારે ભગવતીપરા વિસ્તારના લોકોને સ્મશાન જવા માટેનો આ કોઝવે પરથી એક જ રસ્તો છે. કોઝવે દર વર્ષે ધોવાઈ જાય છે અને તંત્ર દ્વારા માત્ર રિનોવેશન કરી કામ ચલાવી લેવામાં આવે છે. ત્યારે આ કોઝવે પર અવારનવાર અકસ્માત બને છે અને ગત ચોમાસાના ચાર મહિના સ્થાનિક રહીશો અને ખેડૂતોની મુશ્કેલી વધી છે. ભગવતી પરાના રહીશોને ખાંભા શહેરમાંથી પસાર થઈ સ્મશાન આવવા મજબૂર બન્યા છે. ચાલુ વર્ષે સારા વરસાદથી ધાતરવડી નદીના વહેણમાં કોઝવે ધોવાઈ ગયો છે. ગાબડું પડી જતા જુના ગામ અને ભગવતીપરાના લોકો મહામુસીબતમાં મુકાયા છે.
ખાંભાના જુના ગામ – ભગવતીપરાનો આ મહત્વનો કોઝવે ધોવાઈ જતા ખાસ કરી ખેડૂતો બળદ ગાડું સહિત મોટા વાહનચાલકો કોઝવે ધોવાઈ જતા ચાલી શકતા નથી. ત્યારે ભગવતીપરા અને જૂના ગામના લોકોનો વર્ષોથી આ કોઝવે પરથી જ રસ્તો છે. ત્યારે આ કોઝવે ઘાતરવડી નદીના પૂરમાં ધોવાઈ જતા લોકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે અને આ કોઝવે ઉંચો બનાવવા માંગ ઉઠવા પામી છે.
જુના ગામના સ્થાનિક લોકો દ્વારા ચૂંટણી આવે ત્યારે નેતાઓને રજૂઆત કરવામાં આવે છે. ત્યારે નેતાઓ ચૂંટણી સમયે વચનો આપે છે, પણ ચૂંટણી પૂરી થયા બાદ કોઈ સાંભળતું નથી અને સ્થાનિકો દ્વારા ધારાસભ્ય, સાંસદ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને વહેલી તકે આ કોઝવેનું કામ કરવામાં આવે અથવા તો ઉંચો બનાવવામાં આવે તેવી માગ કરી છે.