November 5, 2024

અમરેલીમાં ભારે વરસાદથી તારાજી, કપાસ-મગફળી સહિતનો પાક નિષ્ફળ

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લામાં ચાલુ વર્ષે સાડા ત્રણ લાખ હેક્ટરમાં કપાસના પાકનું વાવેતર અને 2.7 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. ચોમાસાની શરૂઆતથી જ અતિભારે વરસાદે તારાજી સર્જી હતી. કપાસ, મગફળી, તુવેર સહિતના પાકમાં વરસાદ અને પવનના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને કપાસનો પાક પીળો પડી જવાને કારણે નુકસાન થયા બાદ ખેડૂતોને થોડીઘણી કપાસના પાકમાં નુકસાનીનાં વળતરની આશા હતી, તેના પર પણ છેલ્લે છેલ્લે વરસાદ સાથે પવને પાણી ફેરવી દીધું છે. કપાસનો પાક આડો પડી ગયો હતો અને ફાલ ખરી જતા જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે. તેમ છતાં આજ દિન સુધી તંત્ર કે કોઈ અધિકારી નુકસાનીનો સર્વે કરવા ન પહોંચતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો.

ચાલુ વર્ષે અમરેલી જિલ્લામાં ચાલુ સિઝનનો 100 ટકા વરસાદ પડી ગયો છે. ત્યારે ખેડૂતોએ સારા ભાવની આશાએ કપાસ અને મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું હતું. ત્યારે ખાંભાના ખેડૂત જગદીશભાઈએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં અતિ વરસાદથી કપાસનો પાક પીળો પડી ગયો હતો. મગફળીના પાકમાં લીલી ઇયળો સૂકા નામનો રોગ અને મુંડા આવતા ખેડૂતો પરેશાન બન્યા હતા. ત્યારે બાદ હવે છેલ્લે 15 દિવસથી અતિ વરસાદ બાદ પવનથી ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાય જાય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી. કપાસનો પાક આડો પડી ગયા બાદ કપાસનો ફાલ ખરી જતા ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અને સરકાર પાસે નુકસાનીના સર્વેની માગ કરવામાં આવી હતી.

અમરેલી જિલ્લામાં પવન સાથે અતિ વરસાદ પડવાને કારણે ખાંભા, ધારી, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ સહિત કપાસના અને મગફળીના પાકમાં ભારે નુકસાન થયું છે. ત્યારે વિપુલભાઈ ઝાંજોતરે ન્યુઝ કેપિટલને જણાવ્યું હતું કે, ‘અતિ વરસાદ બાદ પવને ખેડૂતોનો કપાસનો ઉભો પાકનો શોંથ વળી ગયો છે. કપાસનો પાક આડો પડી જતા કપાસનો સંપૂર્ણ ફાલ પણ ખરી જતા ભારે નુકસાન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સરકાર પાસે નુકસાનીના સરવેની આશા વ્યક્ત કરી હતી. સરકાર દ્વારા નુકસાનીના સરવે કરવાની વાતો પણ કરી હતી. તેમ છતાં અમરેલીમાં આજ દિન સુધી નુકસાનીનો સરવે કરવામાં આવ્યો નથી.

અમરેલી સહિત રાજ્યના અમુક વિસ્તારોમાં અતિ વરસાદ ખેડૂતો માટે કહેર બન્યો હતો. ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જવાની આરે પહોંચી ગયો છે. અતિ વરસાદના કારણે ખેડૂતોનો મગફળી, કપાસ સહિતનો પાક પીળો પડી ગયો છે. ત્યારે ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાય ગયો હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તેમ છતાં સરકાર કે તંત્ર દ્વારા કોઈ જાતના નુકસાનીનો સરવે કરવામાં આવ્યો નથી.