સારા વાતાવરણને કારણે આંબા પર પુષ્કળ મોર, ખેડૂતોને બમ્પર ઉત્પાદનની આશા
દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ ગીરમાં જૂનાગઢ બાદ અમરેલી જિલ્લાને પણ કેરીનું હબ માનવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષ સારા વાતાવરણ અને ઠંડીના કારણે આંબામાં પુષ્કળ પ્રમાણમાં મોર અને ફલવરિંગ આવતા અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, ખાંભા વિસ્તારમાં કેસર કેરી પકવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. આંબામાં મોટા પ્રમાણમાં મોર આવતા આ વર્ષે કેસર કેરીના બમ્પર ઉત્પાદનની આશા સેવાઈ હતી.
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે અનુકૂળ વાતાવરણ અને ઠંડી પડવાને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. કારણ કે આંબાના ઝાડમાં પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ અને મોર આવતા કેરીનું ઉત્પાદન સારું આવશે. હાલમાં વાતાવરણ છે તે પ્રમાણે જ વાતાવરણ રહેશે તો આવતા બેથી અઢી મહિનામાં કેસર કેરી માર્કેટમાં આવી જવાની ધારણા ખેડૂતોમાં સેવાય હતી.
પાંચ વર્ષ પહેલાં તાઉતે વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લામાં કેસર કેરીના બગીચામાં ભારે નુકસાન કર્યું હતું. ત્યારે ખેડૂતો આ નુકસાનીમાંથી માંડ માંડ બહાર આવી રહ્યા છે. ચાલુ વર્ષે આંબાના ઝાડમાં મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ આવતા ખેડૂતોને ચાલુ વર્ષે કેસર કેરીના સારા ઉત્પાદન અને બે પૈસા મળવાની આશા ખેડૂતો સેવી રહ્યા છે.
અમરેલી જિલ્લો અને ગીર પંથકની કેરી સમગ્ર રાજ્ય અને દેશમાં વખણાય છે. ત્યારે ચાલુ વર્ષે વાતાવરણ અને ઠંડીના કારણે આ વખતે આંબામાં ખૂબ સારૂ ફ્લાવરિંગ આવ્યું છે. આંબાના મોરમાં રોગનું પ્રમાણ પણ નહિવત્ જોવા મળી રહ્યું છે. તેમજ ચાલુ વર્ષે સારા વરસાદને પગલે પાણીના તળ પણ ઉંચા આવ્યા છે. જેનો ફાયદો કેરીના પાકને થશે. આવી રીતે અનુકૂળ વાતાવરણ રહેશે અને માવઠાંની શક્યતા નહિવત રહે તો આવતા બે માસમાં કેસર કેરી માર્કેટમાં આવતી થવાની ધારણા ખેડૂતો કેવી રહ્યા હતા.