July 3, 2024

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, અમરેલીમાં કલાકમાં બે ઇંચ

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામી ગયો છે. ત્યારે ભરૂચમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. શહેરના શક્તિનાથ, કલેકટર કચેરી, મહંમદપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

તો બીજી તરફ, સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર જોવા મળી છે. બાબરાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બાબરાના વાવડા ગામે જોરદાર વરસાદ વરસતા ચારેબાજુ પાણી પાણી થઈ ગયું છે. વાવડા ગામે એક કલાકમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. વાવડા ગામની બજારોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા છે. વાવડા ગામના ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

અમરેલીના રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલાના ડુંગર, કુંભારીયા, દેવકા, વિકટર, માંડરડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ગામડાઓમાં વરસાદના પાણી રોડ પર વહેતા થયા હતા. અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.

અમરેલીમાં ખાંભા-ગીર પંથકમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાંભા-ગીરના ગામડાંઓમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. ખાંભાના ડેડાણ, ત્રાકુડા, મુંજીયાસર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી બાદ વરસાદ શરૂ થતા ગરમીથી લોકોને રાહત મળી છે.

અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે. ઘનઘોર વાદળો વચ્ચે ધોઘમાર વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદ આવતા શેરીઓમાં પાણી વહેતા થયા છે. લાઠીથી ભુરખિયા હાઈવે પરના વાડી ખેતરોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

પોરબંદરના બરડા પંથકમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. કુણવદર, ખાંભોદર, બગવદર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. બરડા પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

અઠવાડિયું ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, ‘રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફના કારણે ભારેથી અતિભારે વરસાદ વરશે તેવી શક્યતા છે.’