December 28, 2024

સિંહો સહિત વન્ય પ્રાણીઓ માટે જંગલમાં પાણીની વ્યવસ્થા, નવા 17 પોઇન્ટ બનાવ્યાં

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ ભાવનગર અને અમરેલી જિલ્લામાં હિટવેવને કારણે હાલ 44થી 45 ડિગ્રી તાપમાન છે. ત્યારે સિંહોને પણ વધુ પાણીની જરૂર પડતી હોય છે. ત્યારે ઉનાળામાં શેત્રુંજી વન વિભાગ દ્વારા સિંહો અને વન્ય પ્રાણીઓ માટે પાણીના પોઇન્ટ ભરવામાં આવી રહ્યા છે. હાલ ઉનાળાના કપરા સમયમાં સિંહો સહિત વન્યપ્રાણીઓ માટે સમગ્ર ગીર જંગલ અને રેવન્યૂ વિસ્તારમાં સિંહોની તરસ બુઝાવવા શેત્રુંજી વન વિભાગ દ્વારા સિંહોની તકેદારીરૂપે જંગલ અને રેવન્યૂ વિસ્તારમાં 91 પાણીના પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. આ પાણીના પોઇન્ટ પવનચક્કી, સોલાર ટેન્કરથી ભરવામાં આવે છે.

અમરેલી જિલ્લામાં હાલ કુલ 50 જેટલા પાણીના વોટર પૉઇન્ટ કાર્યરત છે. જેમાં 2023-24માં નવા 17 પાણીના પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. તમામ પાણીના પોઇન્ટને રોજેરોજ ભરવામાં આવે છે. વન વિભાગના સ્ટાફ દ્વારા ચકાસણી કરવામાં આવે છે. તેમજ ઘોબા ગામે વાયરલ વીડિયો થયો તે બાબતે વન વિભાગના સ્ટાફ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે. જે સિંહણ વીડિયોમાં હતી તેની ઉંમર ત્રણથી પાંચ વર્ષની છે. હાલ આ માદા સિંહણ તંદુરસ્ત છે અને કોઈપણ જાતની તકલીફ નથી. સિંહણને પાણીને લઈને પણ કોઈ તકલીફ હોય એવું જણાયું નથી અને વીડિયો વાયરલ થયો છે, તેના 300થી 400 મીટરમાં શેત્રુંજી નદી આવેલી છે અને ઘોબા ગ્રામજનોએ જાગૃતિ દર્શાવી છે તેમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં સ્માર્ટ મીટર મુદ્દે આક્રોશ, મોટી સંખ્યામાં લોકોનો વિરોધ

શેત્રુંજી ડિવિઝનના ડી સી એફ જયંત પટેલે જણાવ્યું હતું કે, ઘોબા ગામમાં ગયા મે અને જૂન મહિનામાં શેત્રુંજી વન વિભાગ દ્વારા સિંહ સહિત વન્ય પ્રાણીઓ માટે જમીનની માગ કરી હતી, પરંતુ એક વર્ષના લાંબા વિરામ બાદ પણ હજુ સુધી ઘોબા ગામમાંથી પડતર જમીનનો ઠરાવ મળ્યો નથી. સાચા સિંહ પ્રેમી જેમ આપણે બધા સાથે મળી સિંહના સંરક્ષણમાં સાચા અર્થમાં ભાગીદાર બનીએ. સોશિયલ મીડિયા પર લાઈક કરી કોમેન્ટ કરી સિંહને કોઈ ફાયદો નથી થવાનો.’