January 18, 2025

અમરેલીનો બ્રિજ જર્જરિત થતા 10 ગામડાં સહિત બે તાલુકાવાસીઓ પરેશાન

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ ચોમાસામાં રોડ-રસ્તાઓની હાલત ખરાબ હોય તેવું માની શકીએ પણ બે તાલુકાને જોડતા બ્રિજની હાલત જર્જરીત થતા છેલ્લા 11 માસથી બોર્ડ મારીને બ્રિજ બંધ કરી દેતા 10 જેટલા ગામડાંઓ અને તાલુકાના સ્થાનિકો પારાવાર પરેશાની ભોગવી રહ્યાં છે.

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાલિયા ગામ થઈને હરિપર, સાજણટિંબા અને દામનગર જવાનો સ્ટેટ હાઇવે માર્ગ છે. ત્યારે અંટાલિયા અને હરિપર વચ્ચે ગાગડીયો નદી આવેલી છે. નદી પરનો બ્રિજ છેલ્લા 11 મહિનાથી બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજના બંને છેડે માટીના ઢગલાં કરીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

આ ગાગડીયો નદી પરના બ્રિજ નીચે લોખંડના સળીયા બહાર આવી ગયા છે. બ્રિજની સાઈડ પણ આખી જર્જરીત થઈ ચૂકી છે અને વાહનો ના ચાલે માટે બંને તરફ માટીના ઢગલાં કરી દેવામાં આવ્યા છે. છતાં અમુક ટુવ્હીલ વાહનચાલકો જીવના જોખમે આ બ્રિજ પરથી પસાર થાય છે. જ્યારે લીલીયાને અમરેલી તરફ જતા છકડો રિક્ષાઓ નદીના પાણીના વ્હેતા વ્હેણમાંથી નીકળવા માટે મજબૂર બન્યાં છે.

દામનગરથી લઈને લીલીયા સુધીના ગ્રામીણ ગામડાઓનાં સ્થાનિકોને બ્રિજ જર્જરીત હોવાને કારણે 15 કિલોમીટર ફરીને લીલીયા પહોંચે છે. ત્યારે ખેતી, આરોગ્યલક્ષી સારવાર જેવી મહત્વની કામગીરીઓ માટે વાયા લીલીયા થવા 15 કિલોમીટર ફરવાની જરૂર પડે છે. ત્યારે આસપાસના સ્થાનિકોની રજૂઆત તંત્રના બહેરા કાને અથડાય રહી હોવાની અનુભૂતિ સ્થાનિક અગ્રણી કરી રહ્યા છે.

અગાઉ આ બ્રિજ પરથી અક્સ્માત થયા હોવાથી બ્રિજ નીચે ખાબકી મોતને ભેટ્યા હોવાનું સ્થાનિકો જણાવે છે. ત્યારે હાલ ચોમાસામાં નદીના વહેણમાંથી વાહનો નીકળે ત્યારે બાઇક જર્જરીત થયેલા બ્રિજ પરથી પસાર થઈ રહી છે. મોટેભાગે તો વધુ વાહનોને નાછૂટકે 15 કિલોમીટર ફરીને જવાની મજબૂરી વચ્ચે ગાગડીયો નદીનો બ્રિજ પડવાના વાંકે ઊભો છે, પણ તંત્ર આ બ્રિજ અંગે જાહેર બોર્ડ મારીને બ્રિજની મરામત કે નવીનીકરણ ન કરવાથી લીલીયા અને દામનગર એમ બે તાલુકા વચ્ચેનો સંપર્ક વચ્ચે ગાગડીયો નદીનો બ્રિજ અંગે સરકાર ક્યારે કવાયત કરે તે તો સમય જ કહેશે.