November 22, 2024

ધારીના આંબરડી સિંહ સફારી પાર્કમાં પ્રવાસીઓનો ધસારો, વનવિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ દિવાળી વેકેશનમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ આસપાસના રાજ્યના લોકો સૌરાષ્ટ્રમાં સિંહદર્શન કરવા માટે અમરેલી જિલ્લામાં ધારી આંબરડી સફારી પાર્કમાં પર્યટકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. વનવિભાગ દ્વારા સફારી પાર્કમાં વિશેષ વ્યવસ્થા અને વર્લ્ડમાં એકમાત્ર એવું સિંહ યુગલ સિંહબાળ સાથેનું સૌથી મોટું સ્ટેચ્યૂ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

દિવાળી વેકેશનમાં લોકો અલગ અલગ જગ્યાએ વેકેશન માણવા માટે ફરવા જતા હોય છે. જેમાં દિવાળી વેકેશનમાં આપણા ગુજરાત રાજ્યના લોકો સૌથી વધુ પરિવાર સાથે બહાર નીકળતા હોય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં આવેલા સફારી પાર્કમાં સિંહદર્શન કરવા માટે લોકો ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને અન્ય રાજય રાજસ્થાન, મધ્યપ્રદેશ આસપાસના રાજ્યમાંથી પર્યટકો પ્રવાસીઓની આજથી ભીડ જામી રહી છે. લોકો પરિવાર સાથે વેકેશનની મજા માણવા અહીં સિંહદર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. વનવિભાગ દ્વારા દિવાળી વેકેશનને લઈ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ત્યારે પર્યટકો આ સફારી પાર્કના સિંહદર્શન સહિતનો લ્હાવો લઈ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. અન્ય લોકોને અહીં સફારી પાર્કમાં મજા માણવા પણ અપીલ પ્રવાસીઓ જ કરી રહ્યા છે.

આંબરડી સફારી પાર્કમાં આજથી દિવાળી વેકેશનમાં લોકો પરિવાર સાથે આવી રહ્યા છે. અહીં સેલ્ફી પોઇન્ટ અને અતિઆકર્ષણનું કેન્દ્ર વર્લ્ડમાં માત્ર અહીં આંબરડી સફારી પાર્કમાં એક સિંહયુગલ સિંહબાળ સાથેનું સૌથી મોટું સ્ટેચ્યૂ મૂકવામાં આવ્યું છે, જે સફારી પાર્કમાં આકર્ષણનું કેન્દ્ર છે. અહીં લોકો દૂરદૂર થીઆ સ્ટેચ્યૂ જોવા માટે આવી રહ્યા છે અને સેલ્ફી લઈ રહ્યા છે. બાળકો-પરિવારો ખૂબ મોટી સંખ્યામાં આનંદ માણવા માટે અહીં આવી રહ્યા છે.

ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા દિવાળી વેકેશન માટે અધિકારીઓ કર્મચારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. આંબરડી સફારી પાર્કમાં આવતા પર્યટકોને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના અલગ અલગ અલગ જિલ્લામાંથી અને અન્ય રાજ્યમાંથી લોકો અહીં સિંહ સહિત વન્યપ્રાણી જોવા ભારે ભીડ જોવા મળી રહી છે.