અમરેલીમાં ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ ન કરતા ખેડૂતો ચિંતા

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી 21 એપ્રિલથી (ગઈ કાલથી) શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. પરંતુ અમરેલી જિલ્લામાં રાજુલા, ખાંભા, ટીંબી, સાવરકુંડલા, બગસરા, બાબરા સહિત કેન્દ્રમાં હજુ પણ ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી શરૂ કરવામાં ન આવતા ખેડૂતો ખુલ્લી બજારમાં સસ્તા ભાવે ચણા વેચવા મજબૂર બન્યા છે.
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષ ચણાનું પુષ્કર વાવેતર થયું હતું અને 50,000 હજાર જેટલા ખેડૂતોએ ચણા અને રાયડાની ટેકાના ભાવ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારે અમરેલી જિલ્લામાં કુલ 12 કેન્દ્ર પર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી થવાની છે. રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે એટલે 21 એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કર્યા બાદ પણ અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી અવ્યવસ્થાના કારણે શરૂ ન થતાં ખેડૂતો પરેશાન બન્યા હતા અને વહેલી તકે ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ થાય તેવી માંગ કરી હતી.
અમરેલી જિલ્લામાં રાજ્ય સરકારની ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત બાદ બીજા દિવસે પણ ખાંભા, રાજુલા, સાવરકુંલા, ટીંબી, બગસરા, બાબરા સહિત કેન્દ્રો પર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી નથી અને માત્ર ધારી કેન્દ્ર પરત ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ખેડૂતોને બિયારણ, ખાતર સહિત ખેતી માટે પૈસાની જરૂર હોવાથી નાછૂટકે ભૂલી બજારમાં સસ્તા ભાવે ચણા વેચવા મજબૂર બન્યા હતા.
ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા 21 તારીખથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાની છે. ત્યારે ખાંભા એપીએમસીમાં 10 હજાર જેટલા બારદાન આવી ગયેલા છે. 22 તારીખે મજૂરો આવકમાં હોય અને એકાદ દિવસ મેનેજમેન્ટના કારણે ટેકાના ભાવે ચણાની ખરીદીમાં મોડું થયું છે. બુધવારના દિવસથી આ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાના હોવાનું એજન્ટ પાસેથી જાણવા મળેલું હોવાનું ખાંભા એપીએમસીના સેક્રેટરી વી.એમ. માંડણકાએ જણાવ્યું હતું.