December 27, 2024

અમરેલી: બોરવેલમાં પડેલી બાળકીનું આખરે મોત, 17 કલાક બાદ મૃતદેહ બહાર કઢાયો

દોઢ વર્ષની આરોહીને બોરવેલમાંથી બચાવવા માટે 17 કલાક ઓપરેશન ચાલ્યું હતું

અમરેલીઃ સુરાગપરા ગામે બોરવેલમાં પડેલી બાળકીનું આખરે મોત થયું છે. દોઢ વર્ષની આરોહીને બોરવેલમાંથી બહાર કાઢવા માટે 17 કલાક ઓપરેશન ચાલ્યું હતું પરંતુ NDRF અને અમરેલી ફાયર વિભાગને સફળતા મળી નહીં અને આખરે આરોહીનું બોરવેલમાં જ મોત નિપજ્યું હતું. લગભગ 17 કલાક બાદ NDRF અને અમરેલી ફાયર વિભાગે આરોહીના મૃતદેહને બહાર કાઢ્યો છે.ઘટનાસ્થળે હાજર હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહિની તપાસ બાદ બાળકીને મૃત જાહેર કરી હતી.

બોરવેલ બનાવ્યા બાદ તેનો યોગ્ય નિકાલ ન કરવાથી કોઈ બાળક તેમાં પડી જાય તેવી ઘટના અવારનવાર બનતી હોય છે. ત્યારે અમરેલી જિલ્લાના સુરાગપુર ગામમાં બોરવેલમાં આરોહી નામની દોઢ વર્ષની બાળકી પડી ગઈ હોવાની ઘટના ગઈકાલે સાંજે બની હતી. આ ઘટના બાદ પરિવારજનોએ ફાયર ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક પોલીસને જાણકારી આપી હતી. જે બાદ તંત્રએ યુદ્ધના ધોરણે આરોહીને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ હતું. પરંતુ લગભગ 17 કલાક રેસ્ક્યૂ ઓપરેશન કર્યા બાદ પણ દોઢ વર્ષીય આરોહીને બચાવી શકાઇ નહીં. ત્યાં જ બાળકીનો મૃતદેહ પરિવારજનોને શોંપતા ગમગીની છવાઈ ગઈ હતી.

આ પણ વાંચો: 18 વર્ષ અને 6 મહિના પછી આકાશમાં જોવા મળશે અદભૂત ખગોળીય નજારો

મળતી માહિતી પ્રમાણે, સુરાગપુર ગામે વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરતા પરિવારની દોઢ વર્ષીય બાળકી બોરવેલમાં પડી ગઈ હતી. દોઢ વર્ષની આરોહી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી. જે બાદ ફાયર ડિપાર્ટમેન્ટ અને NDRFની ટીમે બોરવેલમાં કેમેરા ઉતારીને બાળકી પર સતત નજર રાખી હતી અને તેનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું પરંતુ બાળકને જીવિત બહાર નીકાળી શકાઈ નથી.

નોંધનીય છે કે, આરોહી બપોરે 12 વાગ્યે બોરવેલમાં પડી હતી અને બાદ છેલ્લા 17 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ દેવામાં આવ્યું હતું. ઘટના સ્થળે ફાયર બ્રિગેડના જવાનોના પ્રયાસ બાદ NDRF ટીમ દ્વારા રેસ્ક્યુ શરૂ કરી દેવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા બાળકી આરોહીને બચાવવા અથાગ પ્રયત્ન કરવામાં આવ્યા હતા. પરંતુ આખરે આરોહીનો મૃતદેહ જ બોરવેલમાંથી બહાર નીકાળાયો હતો. આરોહી જે બોરવેલમાં ખાબકી હતી તે 500 ફૂટ ઉંડો બોરવેલ હતો. અમરેલીના સૂરજપુરા ગામે આ ઘટના બની હતી.