અમરેલીમાં 20 દિવસથી વાતાવરણ બગડતા આંબાવાડીઓમાં રોગ ફેલાયો, ખેડૂતો ચિંતામાં

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લામાં શરૂઆતમાં આંબામાં સારૂ ફ્લાવરિંગ જોઈ ખેડૂતો ખુશ થયા હતા. ત્યારે સારું ઉત્પાદન થાય તેવી આશા સેવાઈ હતી. ત્યારબાદ છેલ્લા 20 દિવસથી વાતાવરણ બગડતા આંબાના મોર ખરવા લાગ્યા હતા. આંબા પર મધિયો, ગળો અને થ્રીપનો ઉપદ્રવ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે અને કેસર કેરીના રસિકો માટે કેરી ખાવી મુશ્કેલ બની શકે છે.
છેલ્લા ઘણા દિવસોથી સતત ઝાકળ આવવાથી અને મધિયો, થ્રીપ, ગળો અને ફૂગ આવવાથી કેરીનો પાક ખરવા લાગ્યો છે. મધિયો બાંધતો ન હોવાથી ખેડૂતોની આશા ઠગારી નીવડે તેવી ખેડૂતો આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
ખેડૂતોને એક આંબામાંથી બસોથી ત્રણસો કિલો કેરી ઉતરવાની આશા હતી, પરંતુ હાલની સ્થિતિ જોતા પાંચથી દસ કિલો કેરી ઉતરે તેવી સ્થિતિ થઈ ગઈ છે. ખેડૂતો આંબામાં દવાનો છંટકાવ કરવા છતાં મધિયા નામનો રોગ તેમજ ગળો અને થ્રીપ જતી ન હોવાનું જણાવી રહ્યા છે.
આંબાના બગીચાના ખેડૂતોએ જણાવ્યું હતું કે, ઇજારદારો શરૂઆતમાં સારું ફલાવરિંગ જોઈ આંબાનો બગીચો રાખી અને લાખ રૂપિયા આપી બગીચો રાખી લીધો હતો. હાલ હવે ઇજારદારો આંબામાં રોગ અને ફલાવરિંગ ખરી જવાથી ભાગી રહ્યા છે અને શરૂઆતમાં બગીચો રાખી અને બાનું આપ્યું હતું તે જતું કરી આવતા ન હોવાનો કેરી પકવતા ખેડૂતો વસવસો વ્યક્ત કરી રહ્યા હતા.