December 23, 2024

અમિતાભ બચ્ચન કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ, કરાઈ એન્જીયોપ્લાસ્ટી સર્જરી!

મુંબઈ: મહાનાયક અમિતાભ બચ્ચનની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 81 વર્ષીય અભિનેતાને ખભાની સમસ્યાને કારણે શુક્રવારે સવારે 6 વાગ્યે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આ મામલે અમિતાભ બચ્ચન કે તેમની ટીમ તરફથી હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો અભિનેતાની હાલત સ્થિર છે.

ટ્વીટને કારણે અટકળો
આ દિવસોમાં અમિતાભ બચ્ચન તેમની તબિયતને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં તેમના પગમાં ઈજા થઈ હતી. આજે સમાચાર આવી રહ્યા છે કે તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે અમિતાભ બચ્ચને પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક ટ્વિટ કર્યું છે. અભિનેતાએ તેમના ટ્વિટમાં લખ્યું, ‘તમારા બધાનો ખૂબ ખૂબ આભાર’. અમિતાભનું ટ્વીટ વાંચીને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અભિનેતા કદાચ ઓપરેશન બાદ પોતાના શુભચિંતકોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

ઠગ્સ ઑફ હિન્દોસ્તાનના સેટ પર અમિતાભને ઈજા થઈ હતી
2018ની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં એક એક્શન સીન કરતી વખતે તેને ખભામાં ઈજા થઈ હતી. જોકે આ ઈજા ગંભીર નહોતી. તેમને બોડી ડબલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી પરંતુ તેમણે આ સીન જાતે કરવાનો નિર્ણય લીધો હતો.