December 28, 2024

PoK આપણું, ત્યાંના હિંદુ-મુસ્લિમ પણ આપણાં, પાકિસ્તાન અત્યાચારી દેશઃ અમિત શાહ

Amit shah latest interview said pok is our hindu muslims also our part

અમિત શાહ - ફાઇલ તસવીર

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે પીઓકે પર તેમની પાર્ટી અને કેન્દ્ર સરકારનું વલણ સ્પષ્ટ કરતા કહ્યુ હતુ કે, ‘પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) ભારતનો એક ભાગ છે. તેથી ત્યાંના હિંદુ અને મુસ્લિમ બંને આપણા લોકો છે.’ એક ટીવી ઈન્ટરવ્યૂમાં અમિત શાહે દેશના ભાગલાને ખોટા ગણાવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાનમાં હિંદુઓએ ઘણા અત્યાચારો થયા છે.

અમિત શાહે કહ્યુ કે, ‘આઝાદી સમયે હિન્દુઓની સંખ્યા 23 ટકા હતી જે હવે ઘટીને 2.7 ટકા થઈ ગઈ છે. પાકિસ્તાનમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. મહિલાઓ પર બળાત્કાર ગુજારવામાં આવે છે. આવા ત્રાસ સહન કરનારા લોકો પાકિસ્તાન છોડીને ભારત આવ્યાં છે. આપણે આવા લોકોને નાગરિકતા કેમ ન આપવી જોઈએ? 1950થી જે વાયદો કર્યો હતો, કોંગ્રેસે તે પૂરો ન કર્યો અને અમે તે પૂરો કરી રહ્યા છીએ.

એનડીએ 400થી વધુ સીટ જીતશે
અમિત શાહે કહ્યુ કે, ‘BJP 300ને પાર કરશે અને 400થી વધુ સીટો જીતશે. અમારી પાસે 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ અને 25 વર્ષનો એજન્ડા છે. ગત ચૂંટણીમાં અમે 300નો ટાર્ગેટ રાખ્યો હતો અને 303 સીટો મેળવી હતી, આજે ફરી કહું છું કે NDA આ વખતે 400થી વધુ સીટો જીતશે.’

પક્ષો તોડવાના આરોપનો જવાબ આપતા તેમણે કહ્યુ કે, ‘અમે કોઈ પક્ષ તોડ્યો નથી.’ TDP નેતા ચંદ્રબાબુ નાયડુ અંગે ગૃહમંત્રીએ કહ્યું કે, ‘અમે તેમને મહાગઠબંધનમાંથી બહાર કર્યા નથી. આ નિર્ણય તેમણે જાતે કર્યો હતો. જ્યારે તેઓ જનતા પાસે ગયા અને ચૂંટણીમાં હાર્યા ત્યારે સમજ્યા. હવે અમારી સાથે આવ્યા છે, એટલે દરેકનું સ્વાગત છે.’

ઇલેક્ટોરલ બોન્ડની ચિઠ્ઠો ખૂલ્યો તો વિપક્ષ મુશ્કેલીમાં મૂકાશેઃ શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી બોન્ડ અંગે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવતા પ્રશ્નો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે શુક્રવારે કહ્યુ હતુ કે, ‘એક ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે ભાજપને ચૂંટણી બોન્ડથી ફાયદો થયો છે, જ્યારે વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. ભાજપ પાસે વધુ સાંસદો છે પરંતુ તેની પાસે માત્ર છ હજાર કરોડના બોન્ડ છે, જ્યારે વિપક્ષના ઓછા સાંસદો હોવા છતાં તેની પાસે અનેક ગણી વધુ કિંમતના બોન્ડ છે. જો ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ખોલવામાં આવશે તો વિપક્ષ મુશ્કેલીમાં મુકાઈ જશે.’

શાહે કહ્યુ કે, ‘ભારતીય રાજનીતિમાં કાળા નાણાના વર્ચસ્વને ખતમ કરવા માટે ચૂંટણી બોન્ડ રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય આપે તે બધાએ સ્વીકારવો પડશે. તેઓ કોઈપણ પ્લેટફોર્મ પર કોઈપણ વ્યક્તિ સાથે ચર્ચા કરવા તૈયાર છે. કોઈએ તેમને સમજાવવું જોઈએ કે, ચૂંટણી બોન્ડની રજૂઆત પહેલાં દાન કેવી રીતે આવતું હતું, બોન્ડમાંથી દાન કેવી રીતે આવે છે? તમારી કંપનીના ચેક આરબીઆઈને આપીને બોન્ડ ખરીદવામાં આવે છે અને રાજકીય પાર્ટીને આપવામાં આવે છે. તેમાં પ્રાઈવસીનો સવાલ સામે આવ્યો છે. હું પૂછવા માગું છું કે, રોકડમાં મળેલા દાનમાં કોનું નામ આવ્યું છે? આ ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે, ભાજપને બોન્ડ્સથી ઘણો ફાયદો થયો છે કારણ કે તે સત્તામાં છે.’

અમિત શાહે કહ્યુ કે, રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે, વિશ્વની સૌથી સંગ્રહખોરીની મોટી રીત ઈલેક્ટોરલ બોન્ડ છે. તેમણે કહ્યું કે, મને ખબર નથી કે, રાહુલ ગાંધીને આ કોણ લખી આપે છે. ભાજપને લગભગ છ હજાર કરોડના બોન્ડ મળ્યા છે. જો કુલ બોન્ડની કિંમત 20 હજાર કરોડ રૂપિયા છે, તો 14 હજાર કરોડ રૂપિયાના બોન્ડ ક્યાં ગયા? જે પક્ષના 242 સાંસદો છે, તેમને 14 હજાર કરોડ રૂપિયાના બોન્ડ મળ્યા છે. શાહે દાવો કર્યો હતો કે, જ્યારે હિસાબ સેટલ થઈ જશે ત્યારે આ લોકો કોઈનો સામનો કરી શકશે નહીં.