ટેરિફ વોર વચ્ચે ચીને ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો, જિનપિંગે ચાઇનીઝ એરલાઇન્સને આપ્યો આ આદેશ

Tariff War: અમેરિકા અને ચીન વચ્ચે શરૂ થયેલ ટેરિફ વોર હવે એવિએશન સેક્ટર પર જોવા મળી રહી છે. ચીને તેની એરલાઇન્સને અમેરિકન કંપની બોઇંગ પાસેથી જેટની ડિલિવરી ન લેવાનો આદેશ આપ્યો છે. ચીનની સરકારે તેની એરલાઈન્સને અમેરિકા પાસેથી એરક્રાફ્ટ ઈક્વિપમેન્ટ અને પાર્ટસ ખરીદવાનું બંધ કરવા સૂચના આપી છે.

અમેરિકા હવે ચીનથી થતી આયાત પર 145 ટકા સુધીની ટેરિફ લાદી રહ્યું છે. તે જ સમયે, ચીને અમેરિકન આયાત પર 125 ટકાની વળતી ડ્યુટી લગાવી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ચીનની સરકાર એવી ઉડ્ડયન કંપનીઓને મદદ કરવા પર વિચાર કરી રહી છે જે બોઇંગ જેટ ભાડે આપે છે અને તેના માટે વધુ ચૂકવણી કરે છે. ચીન વિશ્વનું બીજું સૌથી મોટું ઉડ્ડયન બજાર છે. હાલમાં, બોઇંગ અને સંબંધિત ચીની એરલાઇન્સ તરફથી કોઈ સત્તાવાર પ્રતિભાવ આવ્યો નથી.

એવિએશન ફ્લાઇટ્સ ગ્રુપના ડેટા અનુસાર, લગભગ 10 બોઇંગ 737 મેક્સ વિમાનો ચીની એરલાઇન્સના કાફલામાં જોડાવા માટે તૈયાર છે, જેમાં ચાઇના સધર્ન એરલાઇન્સ કંપની, એર ચાઇના લિમિટેડ અને ઝિયામેન એરલાઇન્સ કંપનીના બે-બે વિમાનોનો સમાવેશ થાય છે. પ્રોડક્શન ટ્રેકિંગ ફર્મની વેબસાઇટ અનુસાર, કેટલાક જેટ સિએટલમાં બોઇંગના ફેક્ટરી બેઝ પાસે પાર્ક કરેલા છે, જ્યારે અન્ય પૂર્વી ચીનના ઝૌશાનમાં એક ફિનિશિંગ સેન્ટરમાં છે. જે એરક્રાફ્ટના દસ્તાવેજીકરણ અને ચુકવણી પહેલાથી જ થઈ ચૂકી છે તે દરેક કેસના આધારે મંજૂરી મેળવી શકે છે.