January 22, 2025

અમેરિકાએ જારી કરી નવી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતના આ બે રાજ્યોમાં ન જવા આપી સલાહ

America Travel Advisory: અમેરિકાએ પોતાની નવી ટ્રાવેલ એડવાઈઝરીમાં ભારતના મણિપુર અને જમ્મુ-કાશ્મીર રાજ્યમાં ન જવાની સલાહ આપી છે. આ સાથે લોકોને ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તાર અને ભારતના મધ્ય અને પૂર્વીય ભાગો જ્યાં નક્સલવાદીઓ સક્રિય છે ત્યાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. અમેરિકાએ પૂર્વોત્તર રાજ્યોની સાથે ભારત માટે સંશોધિત ટ્રાવેલ એડવાઈઝરીને અપડેટ કરી છે. અમેરિકાએ કહ્યું છે કે ભારતમાં ‘ગુના, નક્સલવાદ અને આતંકવાદ’ના કારણે વધુ સાવધ રહેવાની જરૂર છે.

અમેરિકાએ ભારત માટે જારી કરેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં કહ્યું છે કે દેશના કેટલાક વિસ્તારોમાં જોખમ વધી ગયું છે. એકંદરે ભારતને બીજા સ્તર પર રાખવામાં આવ્યું છે. પરંતુ દેશના મણિપુર, જમ્મુ અને કાશ્મીર, ભારત-પાકિસ્તાન સરહદ, મધ્ય અને પૂર્વ ભારતના કેટલાક ભાગોને સ્તર ચાર પર રાખવામાં આવ્યા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે ‘કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ અને સશસ્ત્ર સંઘર્ષના ભયને કારણે મણિપુરની યાત્રા ન કરો.’ આ સાથે લોકોને ઉગ્રવાદ અને અપરાધના કારણે પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં ન જવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: દિલ્હીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના, ગુજરાતમાં અનેક વિસ્તારમાં પૂરની સ્થિતિ

નવી એડવાઈઝરીમાં અમેરિકનોને આતંકવાદ અને હિંસાને કારણે પૂર્વોત્તર રાજ્યોની મુસાફરી પર પુનર્વિચાર કરવાની ભલામણ કરવામાં આવી છે. એડવાઈઝરીમાં લખવામાં આવ્યું છે કે ‘ભારતીય અધિકારીઓના મતે બળાત્કાર ભારતમાં સૌથી ઝડપથી વધી રહેલા ગુનાઓમાંનો એક છે. પર્યટન સ્થળો પર જાતીય હુમલા જેવા હિંસક ગુનાઓ બન્યા છે. આતંકવાદીઓ ગમે ત્યારે હુમલો કરી શકે છે. તેઓ મોલ, પર્યટન સ્થળો, બજારો અને સરકારી સંસ્થાઓને નિશાન બનાવી શકે છે.

ગ્રામીણ વિસ્તારોમાં ઇમરજન્સી સેવાઓ નબળી
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે અમેરિકી સરકાર પાસે ગ્રામીણ વિસ્તારોમાં અમેરિકન નાગરિકોને ઈમરજન્સી સેવાઓ પૂરી પાડવા માટે મજબૂત સંસાધનો નથી. આવા વિસ્તારો પૂર્વી મહારાષ્ટ્ર અને ઉત્તર તેલંગાણાથી લઈને પશ્ચિમ બંગાળ સુધી વિસ્તરે છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકી સરકારી કર્મચારીઓને આ વિસ્તારોમાં જવા માટે વિશેષ પરવાનગી લેવી પડશે.