June 26, 2024

અમેરિકામાં ભારતીય જ્વેલર્સના શોરૂમમાં લૂંટ, 20 લૂંટારા ઘૂસ્યાં અને 3 મિનિટમાં જ ગાયબ

ફાઇલ તસવીર

અમદાવાદઃ અમેરિકામાં ભારતીય જ્વેલરના શોરૂમમાં ફિલ્મી સ્ટાઈલની લૂંટ ચલાવવામાં આવી હતી. 20 માસ્ક પહેરેલા શખ્સો શોરૂમમાં ઘૂસ્યા હતા અને થોડીવારમાં જ બધું લૂંટીને ભાગી ગયા હતા.

અમેરિકાના કેલિફોર્નિયાના સનવિલેમાં પીએનજી જ્વેલરના શોરૂમમાં લૂંટની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, માસ્ક પહેરેલા 20 જેટલા લૂંટારું શોરૂમમાં ઘૂસ્યા છે. તમામ લૂંટારુઓએ શોરૂમના કાચ તોડીને ત્યાં રાખેલા દાગીનાની લૂંટ ચલાવી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.


લૂંટનો પ્લાન અગાઉથી જ તૈયાર કરવામાં આવ્યો હતો
એવું કહેવાય છે કે, શોરૂમમાં એક જ ગાર્ડ હાજર હતો, જેને લૂંટારુઓએ સહેલાઈથી પછાડી દીધો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, લૂંટારુઓ શોરૂમની આસપાસ ગોઠવાઈ ગયા હતા અને ત્યાં રાખેલા દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. એવું લાગે છે કે, લૂંટને અંજામ આપવા માટે પૂર્વ આયોજિત વ્યૂહરચના તૈયાર કરવામાં આવી હતી. કારણ કે, તમામ લૂંટારાઓ જુદા જુદા શો-કેસ તોડતા જોવા મળે છે.

આ લૂંટની ઘટના માત્ર ત્રણ મિનિટમાં જ અંજામ આપવામાં આવી હતી. લૂંટારાઓની બોડી લેંગ્વેજ પરથી લાગે છે કે, તેઓ શોરૂમના લેઆઉટથી સારી રીતે વાકેફ હતા. વીડિયો જોતા લાગે છે કે લૂંટ પહેલા શોરૂમનો સંપૂર્ણ સરવે કરવામાં આવ્યો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટનામાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, PNG જ્વેલર્સનું નામ તેના સ્થાપક પુરુષોત્તમ નારાયણ ગાડગીલના નામ પરથી રાખવામાં આવ્યું હતું. PNG જ્વેલર્સના અમેરિકા, દુબઈ સહિત ભારતમાં કુલ 35 શોરૂમ છે.