News 360
Breaking News

PM મોદીને હરાવવા માટે USએ ઘડ્યું હતું કાવતરું, US સ્ટેટ ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ અધિકારીનો દાવો

Mike Benz Narendra Modi: યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ અધિકારી માઇક બેન્ઝના કરેલા દાવાએ હંગામો મચાવી દીધો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, બેન્ઝે દાવો કર્યો હતો કે મીડિયાના પ્રભાવનો ઉપયોગ કરીને, સોશિયલ મીડિયા સેન્સરશીપને પ્રોત્સાહન આપીને અને વિપક્ષી આંદોલનોને નાણાકીય સહાય આપીને, અમેરિકાએ ભારત અને બાંગ્લાદેશ સહિત ઘણા દેશોના રાજકારણને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકાએ ચૂંટણીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો અને સરકારોને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો હતો.

બેન્ઝના દાવાથી રાજકીય હલચલ મચી ગઈ
USAID પર ચાલી રહેલા વિવાદ વચ્ચે બેન્ઝના દાવાએ હંગામો મચાવી દીધી છે. તેમનું કહેવું છે કે અમેરિકાએ આ કામ પાછળ ઘણા પૈસા ખર્ચ્યા. બેન્ઝના દાવા મુજબ, ભારતમાં 2019ની લોકસભા ચૂંટણીને પ્રભાવિત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા જેથી પીએમ મોદીની પાર્ટી ભાજપ સફળ ન થઈ શકે. તેમણે આરોપ લગાવ્યો કે ફેસબુક, યુટ્યુબ, વોટ્સએપ અને ટ્વિટર જેવી વિવિધ સોશિયલ મીડિયા કંપનીઓ પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા મોદી તરફી સામગ્રીને બ્લોક કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, USAID એ યુએસ સરકારનું એક સ્વતંત્ર સંગઠન છે, જે વિકાસશીલ દેશોને આર્થિક અને માનવતાવાદી સહાય પૂરી પાડે છે.

ભારતના પડોશી દેશોમાં પરિસ્થિતિ ખરાબ હતી
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના લગભગ તમામ પડોશી દેશોમાં રાજકીય અસ્થિરતાનું વાતાવરણ છે. પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં સત્તામાં ખૂબ જ નાટકીય ફેરફારો થયા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં પણ, ભારતીય જનતા પાર્ટી છેલ્લી 3 ચૂંટણીઓમાં પહેલીવાર પોતાના દમ પર બહુમતીથી ઓછી રહી. તાજેતરમાં, ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો કે USAID એ ભારતના વિભાજન માટે અનેક સંસ્થાઓને ભંડોળ પૂરું પાડ્યું છે. આવી સ્થિતિમાં, બેન્ઝના દાવા કે અમેરિકાએ પીએમ મોદીને હરાવવા માટે કાવતરું ઘડ્યું હતું, તેનાથી દુબેના આરોપોને મજબૂતી મળી છે.