અમેરિકામાં બર્ડ ફ્લૂના કારણે એક વ્યક્તિનું મોત, ઘરમાં જ પક્ષીઓથી થયો હતો સંક્રમિત
America: હાલમાં HMPVને લઈને સમગ્ર વિશ્વમાં ભય છે. અમેરિકામાં બર્ડ ફ્લૂના કારણે પ્રથમ મૃત્યુની પુષ્ટિ થઈ છે. દર્દીની ઉંમર લગભગ 65 વર્ષની હતી. જેમને ઘણી ગંભીર બીમારીઓ પણ હતી. હાલમાં જ તેમને શ્વાસની બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દર્દીને તેના બેકયાર્ડમાં ઉછરેલા પક્ષીઓના ટોળાના સંપર્કમાં આવ્યા બાદ H5N1 નો ચેપ લાગ્યો હતો. લુઇસિયાના હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર બર્ડ ફ્લૂના કારણે આ પ્રથમ મોત છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) અનુસાર, અમેરિકામાં અત્યાર સુધીમાં બર્ડ ફ્લૂના કુલ 66 કેસ નોંધાયા છે. જેમાં પ્રાણીઓના સંપર્કમાં આવેલા લોકોમાં વાયરસ જોવા મળ્યો હતો.
બર્ડ ફ્લૂ માત્ર પક્ષીઓ પૂરતો મર્યાદિત નથી
બર્ડ ફ્લૂ એટલે કે એવિયન ઈન્ફલ્યુએન્ઝા (H5N1) હવે માત્ર પક્ષીઓ પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે મનુષ્યો અને પ્રાણીઓમાં પણ ફેલાઈ રહ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, સામાન્ય લોકોમાં આ રોગનું જોખમ ઓછું છે. પરંતુ જેઓ પક્ષીઓ, મરઘા કે ગાય સાથે કામ કરે છે. તેમને આ રોગ પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે.
આ પણ વાંચો: આ દિવસે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની થશે જાહેરાત, આ 3 ખેલાડીઓ ચોક્કસ રમશે
છેલ્લા ઘણા દિવસોથી બર્ડ ફ્લૂની અસર વધી રહી છે. અનેક કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે. આથી આરોગ્ય વિભાગે પણ લોકોને પશુ-પક્ષીઓથી દૂર રહેવાની સલાહ આપી છે. અત્યાર સુધીમાં અમેરિકાના 10 રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા છે. જેમાં કેલિફોર્નિયા, કોલોરાડો, આયોવા, લુઇસિયાના, મિશિગન, ઓરેગોન, મિઝોરી, વોશિંગ્ટન, વિસ્કોન્સિન અને ટેક્સાસનો સમાવેશ થાય છે.
બર્ડ ફ્લૂ શું છે?
H5N1, એવિયન ઈન્ફલ્યુએન્ઝા A નો પેટા પ્રકાર વધુ ચેપી માનવામાં આવે છે કારણ કે તે મરઘાંમાં ગંભીર અને ઘણીવાર જીવલેણ રોગનું કારણ બને છે. એટલું જ નહીં, આ સ્ટ્રેન મનુષ્યો અને અન્ય ઘણી પ્રજાતિઓમાં પણ રોગ પેદા કરી શકે છે.