December 19, 2024

AMCના વોર્ડ ઇન્સ્પેક્ટરની અપ્રમાણસર મિલકત મામલે ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ વોર્ડ ઇન્સ્પેક્ટરની ACBએ કરી ધરપકડ કરી છે. ભ્રષ્ટાચારથી કરોડોની મિલકત વસાવતા ACB એ અપ્રમાણસરની મિલકતની ફરિયાદ નોંધી હતી. કોર્ટે આગોતરા જામીન ના મંજુર કરતા અંતે ACBએ ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. કોણ છે આ ભ્રષ્ટ અધિકારી? જાણો તમામ માહિતી આ અહેવાલમાં.

ગુનો નોંધી ધરપકડ કરી
ACBની કસ્ટડીમાં લીધેલ આરોપીનું નામ સુનિલકુમાર કુમુદચંદ્ર રાણા છે. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મધ્યઝોન એસ્ટેટ વિભાગમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. પોલીસને આરોપી સુનિલકુમાર કુમુદચંદ્ર રાણા પાસેથી રૂપિયા 2.75 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી છે. જેમાં વર્ષ 2010થી 2020 સુધી ઇન્સ્પેક્ટરે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને મિલકતો વસાવી હોવાનું સામે આવ્યું છે. આ અંગે ACBએ વોર્ડ ઈન્સ્પેક્ટર સામે અપ્રમાણસર મિલક્તનો ગુનો નોંધી ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

બ્યૂરોના ધ્યાને આવ્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગમાં સુનિલકુમાર રાણા કે જે વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2010માં તેઓ શાહપુર વોર્ડમાં આવેલી મધ્ય ઝોન એસ્ટેટ ટીડીઓ વિભાગમાં ફરજ બજાવતા હતા. તેમણે તેમની નોકરીના સમયગાળા દરમિયાનમાં રૂપિયા 2.75 કરોડની સંપત્તિ પોતાની પત્ની તથા સંતાનોના નામે વસાવી હોવાનું એન્ટિ કરપ્શન બ્યૂરોના ધ્યાને આવ્યું હતું.

પોલીસમિલકતનો ગુનો નોંધ્યો
પોલીસના ધ્યાનમાં આવતા એન્ટિ કરપ્શન બ્યૂરોએ સુનિલકુમારને 8 વખત પૂછપરછ માટે ACB કચેરીએ બોલાવ્યા હતા. પરંતુ મિલકતને લઈને કોઈ પુરાવા રજૂ નહીં કરતા તેમની વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે. તેમની 84 જેટલા જુદી જુદી બેંકોમાં ફિક્સ ડિપોઝીટ કર્યા છે. તેમણે શેર માર્કેટમાં પણ રોકાણ કર્યું અને આ ભ્રષ્ટ સરકારી કર્મચારીની મિલકતની તપાસ કરતા તેમની આવક કરતા 306 ગણી આ પ્રમાણસર મિલક્તો વસાવી હોવાનું એસીબીની તપાસમાં ખુલ્યું છે.

પોલીસે તપાસ શરૂ કરી
ACB દ્વારા આરોપીના રિમાન્ડ મેળવીને ભ્રષ્ટચાર મુદ્દે તપાસ શરૂ કરી છે. જે કેસમાં તપાસ કરતા વધુ 40.38 લાખની FD અને 9 સેવિંગ ખાતામાંથી 15 લાખ રકમ એમ કુલ 55 લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે. ACBએ અપ્રમાણસરની મિલકત કેસમાં ગુનો નોંધીને સુનિલ રાણાના નિવાસસ્થાને સર્ચ કર્યું હતું. આ ભ્રષ્ટ સરકારી કર્મચારીની મિલકતને લઈને રિપોર્ટ પણ તૈયાર કર્યો છે. આરોપીએ ફરિયાદ બાદ સેસન્સ કોર્ટ અને હાઇકોર્ટેમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દેતા ACB આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.