ભાજપમાં જવા માટે કોઈ સોદો નથી કર્યોઃ અંબરિશ ડેર
અમદાવાદઃ કોંગ્રેસના પૂર્વ નેતા અંબરિશ ડેરે પ્રેસ કોન્ફરન્સ કરી તમામ માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ છે કે, કોંગ્રેસના રામ મંદિર પ્રત્યેના વલણને કારણે મને ખુબ દુખ થયું છે.
તેમણે ભાજપમાં કોઈ યોજના બનાવીને ગયા હોવાની વાતને નકારી કાઢી હતી અને તે અંગે જણાવ્યુ છે કે, લાગણી હોય ત્યાં સોદા ન હોય. ભાજપ જે જવાબદારી આપશે તે સ્વીકારીશ. આવતીકાલે 12.30 વાગ્યે અંબરિશ ડેર ભાજપમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, અંબરિશ ડેરે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામુ આપ્યું છે.
અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ છોડે તેવી શક્યતા
કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા ભાજપમાં જોડાશે. કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાવવાના છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે અંબરિશ ડેર ભાજપમાં જોડાવવાના છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં જ કોંગ્રેસના ગઢમાં વધુ એક ગાબડું પડ્યું છે.
વિપક્ષના નેતાઓના નામ ચર્ચામાં
ઉલ્લેખનીય છે કે, 2024માં લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. જેને લઈને ભાજપ સહિતની તમામ પાર્ટીઓ તૈયારીમાં લાગી ગઈ છે. ગુજરાતમાં પણ લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. તેવા સમયે ગુજરાતના ઘણા નામી વિપક્ષી નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ ગઈ છે. એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ ભાજપનો ખેસ ધારણ કરશે. જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ વિપક્ષી નેતા અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નેતાઓના નામ સામેલ છે.
ભાજપે લોકસભા ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી
લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ તમામ પક્ષો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે ભાજપે પ્રેસ કોન્ફરન્સ કરી દેશના અલગ અલગ રાજ્યોમાં અમુક ઉમેદવારોના નામ જાહેર કરતી પહેલી યાદી બહાર પાડી છે. જેમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તેમાં 10 સાંસદને રિપિટ કરવામાં આવ્યા છે અને 5 નવા ઉમેદવારો પર બાજી લગાવવામાં આવી છે.