નવરાત્રિને લઈ ખેલૈયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલે વરસાદને લઈ કરી આગાહી
ગાંધીનગર: એક તરફ નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો બાકી છે તો બીજી તરફ વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાંથી વરસાદ ગયો નથી. રાજ્યમાં આજે પણ વિવિધ ભાગોમાં વરસાદ થશે.
મળતી માહિતી અનુસાર ગઈકાલથી રાજ્યમાં વરસાદી માહોલ છે. ત્યારે વહેલી સવારથી અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પેટેલે વરસાદને લઈને આગાહી કરી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે, 28 સપ્ટેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. તેમજ ઉત્તર ગુજરાત, પંચમહાલના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. આ સિવાય વિરમગામ, અમદાવાદના ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે. તેમજ 28 સપ્ટેમ્બરે કેટલાક ભાગોમાં વરસાદ થશે.
નોંધનીય છે કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જેવા કે ભાવનગર, અમરેલી, મધ્ય સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. આ સિવાય રાજકોટ, સુરેન્દ્રનગરના વિવિધ ભાગોમાં પણ વરસાદની શકયતા છે. તો પોરબંદર, દ્રારકા, જામનગર જેવા ભાગોમાં વરસાદ થશે.
ખેલૈયાઓ માટે માઠા સમાચાર
વધુમાં તેમણે કહ્યું કે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થશે. તેમજ નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદ થવાની શકયતા છે. જ્યારે વચ્ચે નવરાત્રિમાં ગરમીના કારણે ઉકળાટ જેવી પરિસ્થિતિ રહેશે. આગાહી કરતા જણાવ્યું કે 10 થી 12 ઓક્ટોબર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શકયતા રહેશે..
આ પણ વાંચો: નવરાત્રિને લઈ સુરત પોલીસ એક્શન મોડમાં… સુરક્ષા વ્યવસ્થાનું ખાસ રાખવામાં આવશે ધ્યાન
અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યના ઘણા ભાગોમાં આકાશ સ્વચ્છ રહેશે. પરંતુ શરદ પૂનમની રાતે ચંદ્ર જો કાળા વાદળો વચ્ચે આખી રાત ઢંકાયેલ રહેશે તો સમુદ્રમાં વાવઝોડું આવવાની શક્યતાઓ છે. આ સિવાય 7 થી 13 ઓક્ટોબરમાં અરબી સમુદ્રમાં હલચલ થવાની શકયતાઓ છે. 14 થી 28 ઓકટોબર સુધીમાં બંગાળ ઉપ સાગરમાં ભારે વાવઝોડું સર્જાવવાની શકયતાઓ છે. આ સિવાય અરબી સમુદ્રમાં પણ 28 ઓક્ટોબર સુધીમાં વાવઝોડું થવાની શકયતા રહેશે.