February 2, 2025

ફેબ્રુઆરીમાં ક્યારેક હાડ થીજવતી ઠંડી તો ક્યારેક કમોસમી વરસાદની શક્યતાઃ અંબાલાલ પટેલ

ગાંધીનગરઃ ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. તેમણે કહ્યુ છે કે, આગામી સમયમાં રાજ્યમાં ઠંડી વધુ પડે તેવી શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી કરતા કહે છે કે, આગામી 2થી 3 ફેબ્રુઆરીમાં ઉત્તર ભારતમાં કમોસમી હિમવર્ષાની શક્યતા છે. તેને કારણે રાજ્યમાં પણ 3 ફેબ્રુઆરી સુધી ઠંડીનો ચમકારો જોવા મળશે. 3થી 4 ફેબ્રુઆરીમાં ગુજરાતના ઉત્તર-પૂર્વીય ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે. આ સમયે ગુજરાતનાં ઉત્તર પૂર્વીય ભાગોમાં છાંટા પડવાની શક્યતા છે.

તેઓ વધુમાં જણાવે છે કે, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળવાયું વાતાવરણ રહે તેવી પ્રબળ શક્યતા છે. તેને કારણે સમગ્ર રાજ્યમાં 5થી 7 ફેબ્રુઆરીમાં ઠંડી પડે તેવી શક્યતા છે. આ સમયે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન 13 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.

તેઓ જણાવે છે કે, 9થી 11 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે. 11 અને 12 ફેબ્રુઆરીએ ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહેવાની શક્યતા છે. તેથી સાવચેતી રાખવી. 23 ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે.