અંબાલાલ પટેલે કરી એપ્રિલની આગાહી, ક્યાંક આવશે વંટોળ તો ક્યાંક પડશે કમોસમી વરસાદ

ગાંધીનગરઃ ગુજરાતમાં ઉનાળો જોરદાર જામી ગયો છે. ત્યારે હવાામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. તેમણે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે.
તેમણે જણાવ્યુ છે કે, આગામી 4થી 11 એપ્રિલ હવામાનમાં પલટો આવશે. રાજ્યના પૂર્વીય ભાગો, દક્ષિણ ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વંટોળ સાથે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત સહિત કચ્છના ભાગોમાં પવન વંટોળ સાથે ગાજવીજ થઈ શકે છે તો કેટલાંક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે.
વધુમાં તેઓ જણાવે છે કે, 10 એપ્રિલ પહેલાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી જેવું થઈ શકે છે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં ગરમીનો પારો 41થી 42 ડિગ્રી સુધી જઈ શકે છે. ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં પણ ગરમીનો પારો 40થી 41 ડિગ્રી સુધી જઈ શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 40 ડિગ્રી તાપમાન ઉપર જઈ શકે.
તેઓ કહે છે કે, દક્ષિણ-સૌરાષ્ટ્ર ના ભાગો મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ જોવા મળી શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી આસપાસ રહેશે. 12થી 13 એપ્રિલમાં પવનનું જોર વધારે રહેશે. એપ્રિલ માસમાં સખત પવનના તોફાનો અને વંટોળનું પ્રમાણ વધુ રહેશે. 14 એપ્રિલથી બંગાળનો સાગર સક્રિય થશે. 19 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવી શકે અને ગરમી પણ વધશે.
અંબાલાલ પટેલ કહે છે કે, ‘26 એપ્રિલથી આકરી ગરમી પડી શકે છે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી જેવું થઈ શકે. આ વખતે બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થઈ શકે. 10થી 19 મેમાં રાજ્યના ભાગોમાં અરબ દેશમાંથી આવતી કાળી આંધીના કારણે આંધી-વંટોળનું પ્રમાણ વધશે. કાચા મકાનમાં નુકસાન થાય તેવી આંધી જોવા મળશે. 10 મેથી 8 જૂન સુધી બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડું ફૂંકાશે. 10 મેથી 15 જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શકયતા છે.’