અંબાલાલ પટેલની આગાહી, 28થી વાદળછાયું વાતાવરણ છવાશે
ગાંધીનગરઃ રાજ્યમાં વાતાવરણને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. તેમણે આગાહી કરતા જણાવ્યુ છે કે, 27 જાન્યુઆરી સુધી ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી રહેવાની શકયતાઓ છે.
તેઓ વધુમાં જણાવે છે કે, 28 જાન્યુઆરીથી મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો આવી શકે છે. 28થી 31મી જાન્યુઆરી વચ્ચે ઉત્તર પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનોમાં વધારો થશે. આ ઉપરાંત કમોસમી વરસાદ સાથે કરા પડે તેવી શક્યતા છે.
ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે. બંગાળ ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભેજ સર્જાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદની શકયતાઓ રહેશે.
ગુજરાતની વાત કરવામાં આવે તો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ અથવા ઝાપટાં પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ આવશે. 15 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પલટો આવશે. આગામી 19 ફેબ્રુઆરીથી રાજ્યમાં ગરમીનો પારો વધશે. 19 ફેબ્રુઆરીથી આગામી બે માસમાં રોગિષ્ટ ઋતુ રહેશે. જેથી ધન અને સ્વાસ્થ્યની કાળજી રાખવી.