December 22, 2024

સગીરા સાથે દુષ્કર્મના પ્રયાસમાં અંબાજી પોલીસે POCSO એક્ટ હેઠળ આરોપીની કરી ધરપકડ

બનાસકાંઠા: દાંતા તાલુકાના ધાબાવાળી ગામની એક સગીર વયની યુવતી સાથે શારીરિક હડપલા કરવા અને બળાત્કારની કોશિશ કરવા બદલ અંબાજી પોલીસ સ્ટેશનમાં પોકસો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સગીરા પર દુષ્કર્મનો કેસ દાખલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

હકીકત એવી છે કે અંબાજીથી 7 કિલોમીટર દૂર આવેલા ધાબાવાળી ગામથી એક યુવતી અંબાજી તરફ આવવા માટે પિકઅપ સ્ટેશનને ઉભી હતી. ત્યારે, એક ઇકો કાર ચાલકે કાર રોકાવી તે સગીર વયની યુવતીને પોતાની કારમાં બેસાડી કાર હંકારી મૂકી હતી. તેવામાં કાર ચાલકની દાનતમાં ખોટ આવતા કારચાલકે કારમાં બેસાડેલી સગીર વયની યુવતી સાથે શારીરિક અડપલા કરી તેના ઉપર બળાત્કાર કરવાની કોશિશ કરી હતી. તેવામાં સગીર યુવતીએ બુમાબુમ કરતા આસપાસના લોકોએ તેને બચાવી લીધી હતી અને સગીરા લાજ પીંખાતા બચી જવા પામી હતી.

સમગ્ર બાબતે સગીરાના પિતાએ અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અંબાજી પોલીસે આઇપીસી અને બીએનએસની વિવિધ કલમો સાથે પોકસોનો ગુનો દાખલ કરી આરોપી કારચાલકને ઝડપી પાડવામાં ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ બાદ પોલીસને આરોપીને પકડી પાડવામાં અંબાજી પોલીસને સફળતા મળી હતી. અંબાજી પોલીસે આરોપી સામે કેડેસરનો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.