અંબાજી મંદિરમાં યોજાઈ પ્રક્ષાલન વિધિ, અમદાવાદનો સોની પરિવાર કરે છે વિધિ

વિક્રમ સરગરા, બનાસકાંઠાઃ યાત્રાધામ અંબાજીમાં પ્રક્ષાલન વિધિ યોજવામાં આવી છે. વર્ષમાં એકવાર ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થયા પછી પ્રક્ષાલન વિધિ યોજાય છે. ભાદરવી પૂનમના મહામેળામાં આવતા યાત્રિકોના ધસારાને ધ્યાને રાખી પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે.
વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં ભરાયેલા ભાદરવી પૂનમના મેળા બાદ આજે અંબાજી મંદિરની 1.30 કલાકે શરૂ થયેલી પ્રક્ષાલન વિધિ પૂર્ણ કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં આ પ્રક્ષાલન વિધિ ખાસ કરીને અમદાવાદના એક સોની પરીવાર દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લા 150 વર્ષથી વધુ સમયથી આ વિધિ સાથે સંકળાયેલાં છે.
આ વિધિમાં અંબાજી મંદિર પરીસરને પાણીથી ધોવામાં આવે છે. માતાજીનાં શણગારના સોના-ચાંદીના દાગીનાઓને મંદિરનાં પવિત્ર જળથી ધોવામાં આવે છે. એટલું જ નહીં, આ દાગીનાની સાફ સફાઇ વખતે ઘસારાનાં બદલે પાંચ ગ્રામ સોનાનું તક્તુ માતાજીને થાળમાં અર્પણ કરવામાં આવે છે. જે હાર પૂતળીનો હાર નામે માતાજીને પહેરાવવામાં આવે છે.
એવી માન્યતા છે કે, ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખો પદયાત્રીઓ આવતાં હોય છે. આ યાત્રિકોની રસ્તામાં કોઇ પવિત્રતા ન જળવાઈ હોય અને સીધા મંદિરમાં દર્શને પહોંચી ગયા હોય તેવી બાબતોને ધ્યાનમાં રાખીને મંદિરની પવિત્રતા જાળવવા ખાસ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે.