January 26, 2025

અંબાજીના રસ્તાઓ ફરી ‘બોલ માડી અંબે, જય-જય અંબે’ના નાદથી ગુંજશે, ભાદરવી પૂનમના મેળાની જાહેરાત

બનાસકાંઠા: યાત્રાધામ અંબાજી ખાતે દરવર્ષની જેમ આ વર્ષે પણ શક્તિ ભક્તિ અને આસ્થાનો મહાકુંભ જોવા મળશે. આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમના મેળાને લઈને જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે 12 સપ્ટેમ્બરથી માં અંબાનો ભાદરવી પૂનમ મહામેળો શરૂ થશે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને આજે ભાદરવી પૂનમના મેળાને લઈને પ્રથમ બેઠક યોજાઇ હતી. જેમાં, કલેકટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે મહામેળા દરમિયાન પદયાત્રીઓ માટે સુચારૂ વ્યવસ્થા કરવા જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે. ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં માં અંબાના દર્શનાર્થે આવે છે.

જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાએલ જાહેરાત કરતાં કહ્યું હતું કે આ વર્ષે આગામી તા. 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગોતરા આયોજન માટે વિવિધ વિભાગના અધિકારી ઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.