અંબાજીમાં ફાગણી પૂનમે હોળિકા દહનનું આયોજન, જાણો કેવી છે તૈયારી
શક્તિસિંહ રાજપૂત, અંબાજીઃ શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું આ યાત્રાધામ 51 શક્તિપીઠમાં મુખ્ય ગણાય છે અને આદ્યપીઠ તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી શક્તિપીઠ 51 શક્તિપીઠમાં સૌથી મોટી પીઠ છે.
અંબાજી મંદિરમાં દર મહિનાની પૂનમે સવારે 6:00 કલાકે મંગળા આરતી કરવામાં આવે છે, પરંતુ માર્ચ મહિનામાં આવતી ફાગણી પૂનમ 24 અને 25 માર્ચના રોજ બે અલગ અલગ તિથિ હોવાથી અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ તન્મયભાઈ ઠાકરે જણાવ્યુ હતુ કે, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા રવિવારે સાંજે પોલીસ સ્થાનક પર હોળી દેવતાનું પૂજન અર્ચન કરાશે.
અંબાજી મંદિર પાછળ આવેલી ગુજરાતી શાળામાં વર્ષોથી હોળીકા દહન થાય છે. અંબાજીમાં હોળીકા દહન ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવતું હોય છે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા હોળીના દિવસે સાંજના સમયે 6:30 કલાકે ઢોલ-શરણાઈ સાથે મંદિર સ્ટાફ હોળી આવી સ્થાનક ઉપર જાય છે. ત્યારબાદ હોળીનું શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી પૂજન-અર્ચન થાય છે અને હોળી દેવતાની આરતી કરવામાં આવે છે. પ્રસાદનો ભોગ ધરાવામાં આવે છે. આ સમયે અન્ય મહારાજ પણ હાજર હોય છે. આ સાથે ઠાકોર સમાજના આગેવાનો પણ આ પૂજામાં જોડાય છે. ત્યારબાદ ઠાકોર સમાજ અને મંદિર ટ્રસ્ટ દ્વારા હોળી પ્રગટાવવામાં આવે છે. અંબાજી મંદિરમાં ફાગણી પૂનમ 25 માર્ચના રોજ સવારે 6 કલાકે મંગળા આરતી યોજાશે
આજે અંબાજી મંદિરમાં અન્નકૂટ યોજાયો
આજે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં બપોરના સમયે માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અંબાજી મંદિરમાં અલગ અલગ પ્રકારની મીઠાઈ-ફરસાણ ગર્ભગૃહમાં ગોઠવવામાં આવ્યા હતા. ત્યારબાદ બપોરના 12:30 કલાકે અન્નકૂટ આરતી ભટ્ટજી મહારાજ દ્વારા ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે અંબાજી મંદિરને અલગ અલગ કલરના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.