December 25, 2024

આવતીકાલથી અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો, લાખો માઇભક્તો માટે વિવિધ વ્યવસ્થા

વિક્રમ સરગરા, અંબાજીઃ વિશ્વમાં પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં 12 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે લાખોમાં ભક્તો મેળામાં પધારે છે. જ્યારે અનેક શ્રદ્ધાળુઓ પગપાળા અને સંઘ લઈને માતાજીના દર્શન કરવા આવે છે.

દર વર્ષે ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં આવતા પદયાત્રિકો અને માતાજીના ભક્તો માટે દર્શન સરળતાથી થઈ શકે અને કોઈપણ અગવડતા ના થાય તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અંબાજી મંદિરના દર્શનનો સમય 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન સવારે છ વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં મુસાફરોની સુવિધા માટે એસટીના ચાર વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારમાંથી આવતા ભાવિકોને અનુકૂળ સુવિધા મળી શકે તે ધ્યાને રાખી 10 હંગામી એસટી રૂટ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં 1000થી 1100 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.

શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં માતાજીના દર્શને આવતા માઇભક્તો માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મંદિર સંકુલ, 51 શક્તિપીઠ સર્કલ, ગબ્બર તળેટી અને પરિક્રમા પથ સહિત અંબાજીને જોડતા તમામ માર્ગો પર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રત્યેક રોડ પર 108 એમ્બ્યુલન્સ સહિત ડોક્ટર અને નર્સનો સ્ટાફ 24 કલાક સાત દિવસ સુધી ખડેપગે રહેશે. જેમાં તમામ પ્રકારની દવાઓ અને એમર્જન્સી સારવાર ઉપલબ્ધ રહેશે.

શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમના મહામેળામાં પોલીસ બંદોબસ્ત પણ એકદમ ચાંપતો રાખવામાં આવ્યો છે. મેળા દરમિયાન સમગ્ર અંબાજીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવશે. આ તમામ બંદોબસ્ત રેન્જ આઈજીને સુપરવિઝન હેઠળ રાખવામાં આવ્યો છે. જેમાં 56 પોલીસ ઇન્સ્પેક્ટર, 20 ડીવાયએસપી, 75 પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ સહિત ચાર જેટલી કંપનીઓ જેમાં 2500 જીઆરડી જવાન 2500થી વધુ પોલીસ જવાન અને 25 જેટલી SHE ટીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ મેળામાં 350થી વધુ સીસીટીવી કેમેરા અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા સમગ્ર મેળા ઉપર બાજ નજર રાખવામાં આવશે.

શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા મેળામાં આવતા માઇભક્તો માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મોહનથાળ પ્રસાદ મફત ભોજન અને રહેઠાણ માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મસમોટા ડોમ બાંધીને આ યાત્રિકોની સવલતમાં વધારો થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણ દિવસ સુધી અંબાજીમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કોઈપણ યાત્રિકને કોઈપણ જાતની તકલીફ ન પડે તે હેતુથી અંબાજી મંદિર દ્વારા એક ક્યૂઆર કોડ પણ બનાવવામાં આવ્યો છે. તેનાથી યાત્રિકો પાર્કિંગ સ્થળ, બસ સ્ટેન્ડ અને ભોજન શાળા સુધી આરામથી સ્કેન કરી google મેપના મારફતે પહોંચી શકશે.