December 18, 2024

સુરતના પાલોદ-કોઠવા રોડ પર બનાવેલ નાળામાં ભ્રષ્ટાચારના આરોપ, તપાસની ઉઠી માંગ

કિરણસિંહ ગોહિલ, સુરત: સુરત જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં ભારે ભ્રસ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે. પાલોદ-કોઠવા જવાનાં માર્ગ પર બનાવવામાં આવેલ નાળું તંત્રની બુદ્ધિનું પ્રદર્શન હોવ તેમ લાગી રહ્યું છે. ચાર દિવસમાં પુલીયાનો રોડ બેસી જતા કોઠવા ગામના જાગૃત નાગરિક દ્વારા ભ્રસ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેને લઈને હવે સુરત જિલ્લામાં બનેલ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનેલા રસ્તાની વિજિલન્સ તપાસની માંગ પણ કરવામાં આવી રહી છે.

માંગરોળ તાલુકા કોઠવા -પાલોદ ગામને જોડતો માર્ગ મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બન્યો હતો અને આ માર્ગ પર જ્યાં પાણી ભરાય ત્યાં વરસાદીના પાણીના નિકાલ માટે પુલીયા બનાવવામાં આવ્યા હતા. આ પુલીયા લોકોનેં કેટલા ઉપયોગી બનતા હોય છે પરંતુ રોડ, રસ્તા અને ગરનાળાના કામો માર્ગ અને મકાન વિભાગની મનપસંદ એજન્સી પાસે કરાવવામાં આવે છે અને આ એજન્સી જે વેઠ ઉતારે ત્યારે સવાલ માર્ગ અને મકાન વિભાગના એન્જીનીયર પર ઉઠે છે કેમકે તેમની દેખરેખ હેઠળ રોડ, રસ્તા ગરનાળા બનતા હોય છે. પરંતુ કામોમાં જે વેઠ ઉતારવામાં આવે છે એને લઈને કોઠવા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે સવાલ ઉઠાવ્યા છે. કેમકે 2020-21 માં મંજુર થયેલા કામો 2024 માં પુરા થાય અને ચાર દિવસમાં રસ્તા બેસી જાય તો સ્વભાવિક લોકો સવાલ ઉઠાવે.

માંગરોળ તાલુકા કોઠવા-પાલોદ ગામને જોડતા રોડનું કામ 2020-21માં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કામ શરૂ થયું હતું અને 2024માં એટલે તાજેતરમાં જ પૂર્ણ થયું હતું. જોકે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ત્રણ રસ્તા બન્યા જેમાં સિયાલજથી બાલવાશ હોટલ સુધીનો રોડ, પાલોદથી કોઠવા ગામને જોડતો માર્ગ અને છમુછલથી કોઠવા-છમુછલ ગામને જોડતો રોડ 1 કરોડ 90 લાખ 43 હજારના ખર્ચે બનાવવામાં આવ્યા હતા. જે પૈકી પાલોદ થી કોઠવા ગામનો રસ્તા પર પાણીના નિકાલ માટે ગરનાળુ બનાવ્યું હતું. જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું તે એજન્સીએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. સાથે માર્ગ અને મકાન વિભાગના અધિકારી પર પણ કોઠવા ગામના ડેપ્યુટી સરપંચે સવાલ ઉઠાવ્યા છે. ચાર દિવસ પહેલા ગરનાળા પર ડામર કામ કર્યું, સાઈડ સોલ્ડરનુ કામ કર્યું, વીજ પોલ હટાવ્યા વગર ડામર પાથરી ચાલતી પકડી પણ પહેલા જ વરસાદે તંત્ર ની પોલ ખોલી નાખી છે. ગરનાળા પર ખાડો પડી ગયો, ડામર રોડ પર તિરડો પડી અને રોડ બેસી જતા સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.

કોઠવા ગામના અપ સરપંચ દ્વારા RTI હેઠળ માહિતી માંગી ત્યારે ખબર પડી કેમકે 2021 – 22માં રસ્તાનું કામ શરૂ કર્યું અને હાલમાં 2024 માં કામ પૂર્ણ કર્યું. વિકાસના કામની લગાવવામાં આવતી તકતી તંત્ર દ્વારા લગાવી ફોટા પાડી કાઢી લેવામાં આવતા સ્થાનિકો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માં કોઈ ગરબડો થઇ હોવાના આક્ષેપ સાથે સુરત જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનેલા રસ્તાની વિજિલન્સ તપાસ કરવામાં આવે તો મસમોટા કૌભાંડ બહાર આવે એવી સ્થાનિક આક્ષેપ કરી રહ્યા છે.