December 27, 2024

જામનગરમાં 3 કરોડના ખર્ચે બનેલા પુલમાં પડેલી તિરડોમાંથી ડોકિયું કરતો ભ્રષ્ટાચાર

સંજય વાઘેલા, જામનગર: જામનગરના ખીમરાણા ગામે છ મહિના પહેલા બનેલ પુલમાં તિરાડો પાડતા ગ્રામજનોએ ભષ્ટ્રાચાર થયો હોવાના આક્ષેપ કર્યા છે. છ મહિના પહેલા કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 3 કરોડ અને 6 લાખના ખર્ચે બનેલ પુલના બંને છેડે રોડ પર તિરાડો પડતા તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા છે.

   

જામનગરના ખીમરાણા ગામ પાસે આવેલ રૂપાવેલ નદી પર 3 કરોડ અને 6 લાખના ખર્ચે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા 2022માં પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે, 2022 થી 2024 દરમિયાન બે વર્ષ સુધી આ પુલનું કામ ચાલ્યું હતું ત્યારે જ્યારે આ પુલનું કામ ચાલુ હતું ત્યારે ગ્રામજનો દ્વારા પુલનું કામ હલકી ગુણવત્તાનું થતું હોવાની રજૂઆત તંત્રને વારંવાર કરવામાં આવી હતી. તેમ છતાં, તંત્ર દ્વારા કોઈપણ રજૂઆતને ધ્યાનમાં ન લેતા પુલનાં કામમાં લાલિયાવાડી કરીને પૂર્ણ કર્યું હોવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યા હતા.

જામનગર જિલ્લામાં સામાન્ય વરસાદ પડતાની સાથે તંત્રની પોલ ખૂલી ગઈ છે. સામાન્ય વરસાદ પડતાની સાથે જામનગર જિલ્લા પંચાયત હસ્તગત આવતા પુલમાં તિરાડો પડી છે. બંને છેડે પુલની સાઈડમાં મસ્ત મોટી તિરાડો પડતા અધિકારીઓ સામે સવાલો ઉઠ્યા છે.

ગ્રામજનોનું કહેવું છે કે હજુ વરસાદની શરૂઆત છે જયારે વધુ વરસાદ પડશે ત્યારે પુલની બંને છેડા ધોવાઈ જવાની સંભાવના છે. તેમજ પુલ નીચેના બીમમાં પણ તિરાડો પડી હોવાનું સામે આવ્યું છે. આ અંગે અધિકારીને સવાલો પૂછતાં તપાસનાં આદેશ આપ્યા છે.

ખીમરાણા ગામના લોકોનું કહેવું છે કે ગામને શહેર સાથે જોડતો એક માત્ર આ જ રસ્તો છે, પૂલની હલકી ગુણવતાને કારણે આ ચોમાસામાં રસ્તો બંધ થવાની શક્યતા રહેલી છે. જો રસ્તો બંધ થયો તો અમારે ખેતરે જવાનું બંધ થશે. અનેક રજૂઆતો છતાં કોઈ પગલાં પણ લેવામાં આવતા નથી.