December 19, 2024

Byju’sની તમામ ઓફિસો બંધ, 15 હજાર કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ મોડ પર

Byju’s closed: ઓનલાઈન એજ્યુકેશન આપતી કંપની બાયજુસની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી. નાણાકીય સંકટમાંથી બહાર નિકળવા માટે કંપનીએ પહેલા રાઈટ ઈશ્યુ કરીને પૈસા ભેગા કર્યા, પરંતુ તેના ઉપયોગ પર કંપનીના ઈન્વેસ્ટર્સે રોક લગાવી દીધી. કંપનીએ હવે નાણાકીય સંકટને પહોંચી વળવા માટે પોતાની રીજનલ ઓફિસોને બંધ કરી દીધી છે. આ સાથે કંપનીના તમામ 15000 કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરી દીધા છે. કંપની આ રીતે તમામ કર્મચારીઓના પગારના પૈસા ભેંગા કરવાનો જુગાડ કરી રહ્યા છે. મહત્વનું છેકે, બાયજુસે બેંગ્લોર સ્થિત નોલેજ પાર્કમાં બનેલી પોતાની IBC હેડક્વાર્ટની ઓફિસ સહીત તમામ રીજનલ ઓફિસો બંધ કરી દીધી છે.

આ શહેરોમાં રીજનલ ઓફિસો ખોલવામાં આવી
Byjuની 20 થી વધુ પ્રાદેશિક કચેરીઓ છે. જે દિલ્હી, ગુરુગ્રામ, મુંબઈ, પુણે, હૈદરાબાદ, ચેન્નાઈ અને અન્ય શહેરોમાં ખોલવામાં આવી હતી. હવે કંપનીએ તેમને બંધ કરી દીધા છે. કંપનીનું કહેવું છે કે તેણે સીઈઓ અર્જુન મોહનના નેતૃત્વમાં થોડા મહિના પહેલા તેની ઓફિસ સ્પેસનું પુનર્ગઠન કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. હવે ખર્ચ ઘટાડવા માટે તમામ પ્રાદેશિક કચેરીઓ બંધ કરવાના નિર્ણયને આખરી મંજુરી આપવામાં આવી છે.

મહત્વનું છે કે, કંપનીની આ પ્રાદેશિક કચેરીઓમાં લગભગ 15,000 કર્મચારીઓ કામ કરતા હતા. જેઓ હવે અનિશ્ચિત સમય માટે ઘરેથી કામ કરશે. જો કે, દેશભરમાં ફેલાયેલા કંપનીના 300 થી વધુ ટ્યુશન સેન્ટર હજુ પણ કાર્યરત રહેશે અને તેના કર્મચારીઓ ઓફિસ જવાનું ચાલુ રાખશે.

બાયજસનું સંકટ કેટલું મોટું છે?
બાયજુસને રોકડની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીના સ્થાપક રવિન્દ્રન બાયજુ અને તેમના પરિવારે તેમનું ઘર ગીરવે રાખવું પડ્યું. જેથી તેઓ કંપનીના કર્મચારીઓનો પગાર ચૂકવી શકે. એટલું જ નહીં કંપનીના કેટલાક રોકાણકારોએ બાયજુ અને તેના પરિવારને કંપનીના બોર્ડમાંથી દૂર કરવા માટે EGM પણ બોલાવી છે. આ સાથે તેમને હાંકી કાઢવાનો ઠરાવ પસાર કર્યો છે. આ દરમિયાન બાયજુ રવિન્દ્રને સ્પષ્ટ કહ્યું હતું કે, તે કંપનીના સ્થાપક અને સીઈઓ છે. NCLT અને કર્ણાટક હાઈકોર્ટમાં બાયજુસ સંબંધિત કેસ પણ છે. જેની આ મહિને સુનાવણી થવાની બાકી છે.