‘તિરુમાલામાં તમામ કર્મચારીઓ હિન્દુ હોવા જોઈએ’, નવા TTD ચેરમેનનું મોટું નિવેદન
Tirumala Temple: તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડના નવા અધ્યક્ષ બીઆર નાયડુએ ગુરુવારે મોટું નિવેદન આપ્યું છે. નાયડુએ કહ્યું છે કે ભગવાન વેંકટેશ્વરના નિવાસ સ્થાન તિરુમાલામાં કામ કરતા તમામ કર્મચારીઓ હિન્દુ સમુદાયના હોવા જોઈએ. નાયડુએ એમ પણ કહ્યું છે કે તેઓ સીએમ ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની આંધ્રપ્રદેશ સરકાર સાથે વાત કરશે કે તિરુમાલા ખાતે કામ કરતા અન્ય ધર્મના કર્મચારીઓ અંગે શું નિર્ણય લેવામાં આવે.
દરેક કર્મચારી હિંદુ હોવો જોઈએ – નાયડુ
TTD બોર્ડના અધ્યક્ષ બીઆર નાયડુએ ગુરુવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તિરુમાલામાં કામ કરનાર દરેક વ્યક્તિ હિંદુ હોવો જોઈએ. આ મારો પહેલો પ્રયાસ રહેશે. જેમાં ઘણા મુદ્દાઓ છે. આપણે આની તપાસ કરવી પડશે. બીઆર નાયડુએ વધુમાં કહ્યું કે તેઓ અન્ય ધર્મના કર્મચારીઓને લઈને સરકાર સાથે વાત કરશે કે શું તેમને અન્ય સરકારી વિભાગોમાં મોકલવા જોઈએ કે પછી વીઆરએસ આપવામાં આવે.
હું ભાગ્યશાળી છું કે આ જવાબદારી મને મળી – નાયડુ
બીઆર નાયડુએ પોતાને ભગવાન વેંકટેશ્વરના ભક્ત ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે તે તેમનું સદ્ભાગ્ય છે કે તેમને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બીઆર નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને આ મોટી જવાબદારી આપવા બદલ આભાર માન્યો છે.