December 23, 2024

રાજ્યસભા ચૂંટણીમાં મતદાન પહેલા અખિલેશ યાદવે બોલાવી ધારાસભ્યોની બેઠક

Rajya Sabha Election 2024: ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની દસ બેઠકો માટેની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. ભાજપે તેના આઠમા ઉમેદવારને મેદાનમાં ઉતારીને દસમી સીટની લડાઈ રસપ્રદ બનાવી છે. હવે બંને પક્ષો તરફથી સંખ્યાઓ એકત્રિત કરવામાં આવી રહી છે. માહિતી અનુસાર શનિવારે સપા પ્રમુખ અખિલેશ યાદવે લખનૌમાં તમામ ધારાસભ્યોની મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાજ્યસભાની ચૂંટણી માટે રણનીતિ તૈયાર કરવામાં આવશે. નોંધનીય છે કે યુપીમાં 27 ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. તેને જોતા સપા પ્રમુખે આજે લખનૌમાં પોતાની પાર્ટીના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં અખિલેશ યાદવ પણ હાજર રહેશે અને ધારાસભ્યો સાથે મળીને આગળની રણનીતિ તૈયાર કરશે સાથે સાથે ધારાસભ્યો માટે અહીં ત્રણ દિવસ રોકાવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અખિલેશ યાદવે બેઠક બોલાવી
સપાની બેઠકમાં ધારાસભ્યોને વોટિંગની ટ્રેનિંગ આપવામાં આવશે અને આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. બેઠક દરમિયાન ધારાસભ્યોને કેવી રીતે કામ કરવું તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે. અખિલેશ યાદવની આ તૈયારી પાર્ટીને કોઈપણ પ્રકારના ભંગાણ અને ટૂટ-ફૂટથી બચાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. રાજ્યસભાની ચૂંટણી માટે સપાએ ત્રણ ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે જ્યારે ભાજપે વધુ આઠ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.સપાને તેના ત્રણ ઉમેદવારો જીતવા માટે કુલ 111 વોટની જરૂર છે, હાલ સપા પાસે 108 વોટ છે, આ સિવાય બે ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના છે. બીજી બાજુ જેલમાં બંધ સપા ધારાસભ્ય ઈરફાન સોલંકી આ વખતે પોતાનો મત આપી શકશે નહીં. જેના કારણે સપાને વધુ બે વોટની જરૂર પડશે.

સમાજવાદી પાર્ટીએ ત્રીજા ઉમેદવારની જીત માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ પાર્ટીના પ્રદેશ પ્રમુખ નરેશ ઉત્તમ પટેલ પણ જનસત્તા દળના પ્રમુખ રાજા ભૈયાને મળ્યા હતા. રાજા ભૈયા પાસે બે ધારાસભ્યો છે, જો તેઓ સપાના સમર્થનમાં આવશે તો આ મુશ્કેલીનો હલ નીકળી જશે. બીજી બાજુ ભાજપે રાજા ભૈયાનો પણ સંપર્ક કર્યો છે. હવે આવી સ્થિતિમાં રાજા ભૈયા કયા રસ્તે જશે તે હાલ કહેવું મુશ્કેલ છે.