May 2, 2024

‘ભત્રીજા’ એ ‘કાકા’ને આપી પછડાટ… NCP તો અજીતની જ

મુંબઈઃ આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે. 6 મહિનાથી વધુ ચાલેલી 10 થી વધુ સુનાવણી બાદ ચૂંટણી પંચે NCPમાં વિવાદનો અંત લાવ્યો છે અને અજિત પવારની આગેવાની હેઠળના જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ચૂંટણી પંચે અજિત જૂથને અસલી NCP ગણાવી છે. ચૂંટણી પંચે કહ્યું કે, તમામ પુરાવાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચનું કહેવું છે કે, અજિત પવાર જૂથને એનસીપીના નામ અને ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરવાનો અધિકાર છે. જોકે, પંચે શરદ પવારને નવી પાર્ટીની રચના માટે ત્રણ નામ આપવા જણાવ્યું છે. આ નામો બુધવારે બપોરે 3 વાગ્યા સુધીમાં આપવાના રહેશે.

નોંધનીય છે કે અજિત પવારને તેમના કાકા શરદ પવાર સાથે અસલી એનસીપીને લઈને 6 મહિનાથી વિવાદ ચાલતો હતો. સપ્ટેમ્બર 2023માં અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યો સાથે પવારની એનસીપીમાંથી અલગ થઈને શિંદે-ભાજપ સાથે મળી ગયા હતા અને સરકાર રચી હતી જેમા તેઓ ડેપ્યુટી સીએમ બન્યાં હતા. શરદ પવાર જૂથે આ મામલે ચૂંટણી પંચમા પડકાર્યો હતો અને પોતાને જ અસલી શિવસેના ગણાવી હતી જેની પર આજે ચૂંટણી પંચે નિર્ણય જાહેર કર્યો હતો.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર શરદ પવાર જૂથ સમયસર બહુમત સાબિત કરી શક્યું નથી. મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાની 6 બેઠકો માટેની ચૂંટણીની સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને શરદ પવાર જૂથને ચૂંટણી આચાર નિયમો 1961ના નિયમ 39AAને અનુસરવા માટે વિશેષ છૂટ આપવામાં આવી છે. તેમને 7 ફેબ્રુઆરીની સાંજ સુધીમાં નવી પાર્ટીની રચના માટે ત્રણ નામ આપવા માટે કહેવામાં આવ્યું છે. અજિત પવારના પક્ષ માટે ઘણા વકીલોએ દલીલો રજૂ કરી હતી. દલીલો રજૂ કરવામાં મુકુલ રોહતગી, નીરજ કૌલ, અભિકલ્પ પ્રતાપ સિંહ (એડવોકેટ ઓન રેકોર્ડ) તેમજ શ્રીરંગ વર્મા, દેવાંશી સિંહ, આદિત્ય કૃષ્ણા, યામિની સિંહનો સમાવેશ થાય છે.

શિંદે સરકારને ટેકો આપ્યો
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે અજિત પવારે બળવો કર્યો હતો. તેમણે મહારાષ્ટ્રમાં શિંદે સરકારને ટેકો આપ્યો હતો. અજીતની સાથે અનેક ધારાસભ્યો પણ સરકારમાં જોડાયા હતા. ત્યાર બાદ અજિતે પાર્ટી પર સત્તાનો દાવો કર્યો અને તેમના જૂથને વાસ્તવિક NCP કહી હતી. બીજી બાજુ વિધાનસભા અધ્યક્ષે પણ અજીત જૂથને અસલી NCP તરીકે જાહેર કર્યું હતું. ત્યાર બાદ શરદ પવાર જૂથે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જોકે હવે ચૂંટણી પંચે પણ અજીતના જૂથને અસલી એનસીપી ગણાવીને શરદ પવારને મોટો ઝટકો આપ્યો છે.

શરદ પવાર જૂથ સુપ્રીમ કોર્ટમાં જશે
શરદ જૂથના નેતા જયંત પાટીલે કહ્યું કે ચૂંટણી પંચનો આ નિર્ણય ચોંકાવનારો છે. એનસીપીના આદરણીય સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર સાહેબના હાથમાંથી પાર્ટી છીનવાઈ રહી છે. દેશની લગભગ તમામ બંધારણીય સંસ્થાઓએ તેમની સ્વાયત્તતા ગુમાવી દીધી છે એટલે સ્પષ્ટ છે કે અતાર્કિક નિર્ણયો આપીને ટેકનિકલ કારણોને આગળ કરવામાં આવ્યા છે. અમે આ પરિણામનો વિગતવાર અભ્યાસ કરીશું અને તેના પર ટિપ્પણી કરીશું. અમે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારીશું અને અમને ખાતરી છે કે દેશની સર્વોચ્ચ અદાલત અમને ન્યાય આપશે.

પાર્ટીનો અસલી ‘બોસ’ કોણ છે તે કેવી રીતે નક્કી થાય છે?
પાર્ટીનો અસલી ‘બોસ’ કોણ હશે? તેનો નિર્ણય મુખ્યત્વે ત્રણ બાબતો પર આધારિત છે. પ્રથમ: કયા જૂથમાં વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે? બીજું: કોની પાસે વધુ પદાધિકારીઓ છે અને ત્રીજું: સંપતિઓ કઇ બાજુ છે. પરંતુ કયા જૂથને પક્ષ ગણવામાં આવશે? તેનો નિર્ણય સામાન્ય રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓની બહુમતીના આધારે લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જે જૂથમાં વધુ સાંસદો અને ધારાસભ્યો હોય તેને પક્ષ ગણવામાં આવે છે. એનસીપી અને શિવસેનામાં આના આધારે નિર્ણય લેવામાં આવ્યો છે.